गुजरात

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara court civil death verdict missing husband 35 years




Vadodara News : કહેવાય છે કે કાયદાના દ્વાર ભલે મોડા ખુલે, પણ ન્યાય ચોક્કસ મળે છે. વડોદરામાં એક મહિલાની સાડા ત્રણ દાયકા લાંબી કાનૂની મથામણનો આખરે સુખદ અંત આવ્યો છે. વર્ષ 1991થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા પતિને વડોદરાની સિવિલ કોર્ટે ‘સિવિલ ડેથ’ (કાનૂની મૃત્યુ) જાહેર કરી, મ્યુનિસિપલ કોર્પોરેશનને મરણનો દાખલો આપવા આદેશ કર્યો છે. આ ચુકાદાથી છેલ્લા 35 વર્ષથી માનસિક સંતાપ વેઠતા પરિવાર માટે હવે મિલકતમાં વારસાઈ હક મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 1991માં શંકરભાઈ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિ ‘હું લગ્નમાં જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પરત ફર્યા નહીં. પત્ની શર્મિષ્ઠાબહેન અને પરિવારના સભ્યોએ આકાશ-પાતાળ એક કરીને તેમની શોધ કરી, પરંતુ કોઈ પતો લાગ્યો નહીં. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આખરે 10 વર્ષની તપાસ બાદ, વર્ષ 2001માં પોલીસે શંકરભાઈ ગુમ થયા હોવાનો સત્તાવાર દાખલો ઇસ્યુ કર્યો હતો.

કાનૂની ગૂંચવણ અને સંઘર્ષ

પરિવારને મિલકતની વારસાઈ માટે મરણના દાખલાની જરૂર હતી. જ્યારે શર્મિષ્ઠાબહેને પોલીસનો દાખલો રજૂ કર્યો, ત્યારે સરકારી તંત્રએ તેને અમાન્ય ગણી ‘મરણનો દાખલો’ લાવવા જણાવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ-મરણ શાખાએ કોર્ટના ઓર્ડર વિના દાખલો આપવાની મનાઈ કરી દીધી. આખરે, વર્ષ 2025માં મહિલાએ વડોદરાની સિવિલ કોર્ટમાં ‘સ્પેશિયલ સિવિલ સૂટ’ દાખલ કર્યો.

કોર્ટમાં દલીલો અને ચુકાદો

સુનાવણી દરમિયાન બચાવ પક્ષે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરજદારના વકીલે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 108 ટાંકીને ધારદાર દલીલ કરી હતી. કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ હોય અને તેના નિકટના સંબંધીઓએ તેને જોયો કે સાંભળ્યો ન હોય, તો તેને કાયદેસર ‘મૃત’ (Civil Death) માની શકાય.

અદાલતે નોંધ્યું કે, આ કેસમાં તો 35 વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી મહિલાની અરજી મંજૂર કરી હતી અને વડોદરા મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો કે રજિસ્ટરમાં જરૂરી નોંધણી કરી પત્નીને મરણનો અધિકૃત દાખલો આપવામાં આવે.

મહત્વનો કાયદો: શું છે ‘સિવિલ ડેથ’?

ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act) મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના જીવિત હોવા અંગે તેના અંગત વર્તુળમાં સાત વર્ષ સુધી કોઈ જ ભાળ ન મળે, ત્યારે તે વ્યક્તિને કાયદેસર રીતે મૃત જાહેર કરવામાં આવે છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં અટકી પડેલી વારસાઈ કે કાનૂની પ્રક્રિયાઓને ન્યાયિક રીતે પૂર્ણ કરવાનો છે.



Source link

Related Articles

Back to top button