गुजरात

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior caught taking a bribe of Rs 50 000 in Kalol



સિટી સર્વે કચેરીમાં એસીબી ત્રાટકી

એક નોંધ પાડવા માટે અરજદાર પાસેથી ૫ હજાર રૃપિયા લેવાતા
હોવાની ફરિયાદને પગલે ટ્રેપ ગોઠવવામાં આવી

ગાંધીનગર :  કલોલ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં જમીનની નોંધ પાડવા
માટે રૃપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદને પગલે એસીબી દ્વારા ગઈકાલે ટ્રેપ
ગોઠવવામાં આવી હતી અને તેમાં સિનિયર સર્વેયર સહિત બે સર્વેયર ૧૦ નોંધ પાડવા માટે
૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેમની સામે ગુનો દાખલ કરીને
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ સતત વધી
રહી છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડવામાં
આવી રહ્યા છે તેમ છતાં લાંચ લેવાની આ પ્રવૃત્તિ બંધ થતી નથી. આ સ્થિતિમાં બે દિવસ
અગાઉ જ કલોલ તાલુકા પંચાયતની કચેરીમાં એન્જિનિયરને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો
હતો તેમ છતાં કલોલની કચેરીઓમાં આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી. ગાંધીનગર એસીબીને
ફરિયાદ મળી હતી કે કલોલ ખાતે આવેલી સીટી સર્વે કચેરી ખાતે જમીનની નોંધ પાડવા માટે
૫ હજાર રૃપિયા લેવામાં આવે છે. જેના પગલે એસીબીના નાયબ નિયામક એ.કે પરમારના
સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી ચાવડા દ્વારા અહીં ટ્રેપ ગોઠવવાનું નક્કી
કરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિને તૈયાર કરવામાં આવ્યો હતો. જે ૧૦ જેટલી નોંધ
પડાવવા માટે આ કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં સિનિયર સર્વેયર પંકજકુમાર ગોવિંદભાઈ
પરમાર અને સર્વેયર રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ સાથે વાતચીત કરતા એક નોંધના ૫ હજાર
લેખે ૧૦ નોંધના ૫૦ હજાર રૃપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેથી આ વ્યક્તિ દ્વારા ૫૦
હજાર રૃપિયા આપવામાં આવ્યા ત્યારે એસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને બંને લાંચિયા
કર્મચારીઓને ઝડપી લીધા હતા. જેમની સામે હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં હજી પણ ઘણી કચેરીઓમાં લાંચ લીધા વગર કામ થતા નથી
ત્યારે આગામી દિવસમાં એસીબી દ્વારા અહીં પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ લાગી
રહ્યું છે.



Source link

Related Articles

Back to top button