સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Scheme Affectees Resume Protest Over Unfulfilled Reservation Removal Promise

સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા ખાતરી આપ્યા બાદ પણ અમલ ન થતાં સોસાયટીના લોકોએ ફરીથી આંદોલનની શરૂઆત કરી દીધી છે. અસરગ્રસ્ત સોસાયટીની બેઠક મળી હતી જેમાં આગામી દિવસમાં રિઝર્વેશન હટાવવાની માંગણી માટે પાંચ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમ સાથે ચુંટણી માટે પણ ગંભીર વિચારણા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાયા હતા. ત્યારબાદ રિઝર્વેશન હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ મંત્રી મંડળમાં બદલાવ બાદ ફરીથી આ રહેણાંક મિલકત પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝર્વેશન લોકોની રહેણાંક સોસાયટી, સોસાયટી ની વાડી અથવા ખુલ્લા કોમન પ્લોટ પર મૂકી દેવામા આવ્યા હતા.
આ રિઝર્વેશન હટાવવા કોર્પોરેટર થી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી માત્ર આશ્વાસન મળ્યું છે ત્યાર બાદ સામુહિક આવેદનપત્ર માટે રેલી કાઢવામાં આવી હતી અને સુરતના મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મત્રીને મળીને રજુઆત કરી હતી અને તેઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.

જોકે, ત્યાર બાદ પણ આ રિઝર્વેશન અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને આગામી ગણતરીના દિવસોમાં ચુંટણીની પણ જાહેરાત થઈ જશે જેના કારણે અસરગ્રસ્તો હવે અધીરા બન્યા છે અને રિઝર્વેશન હટાવવા માટે પહેલા પાંચ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
અસરગ્રસ્તોના અગ્રણી ઉમેશ ઝડફીયા કહે છે, અન્યાયી રિઝર્વેશન અંગે જન આંદોલન ચાલી રહ્યું છે જેમાં કતારગામની વૃંદાવન સોસાયટી ની વાડીમાં પીડિત પરિવાર સમિતિની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી દિવસોમાં પાંચ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સોસાયટીના ગેટ પર રિઝર્વેશન અંગેના બેનરો લગાવવામાં આવશે.
આગામી 28 ફેબ્રુઆરીએ ટીપી સ્કીમમાં અસરગ્રસ્ત રિઝર્વેશન સોસાયટીમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 અને 2 માર્ચના રોજ બે દિવસના સામૂહિક ઉપવાસ પણ કરવામાં આવશે. 3 માર્ચના રોજ અધિકારીઓ- નેતાના અહંકારની હોળી પ્રગટાવવાશે. ત્યારબાદ 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કતારગામની એક લાખ જનતાની સહી કરી પોસ્ટ કાર્ડ પણ લખવામાં આવશે. ત્યાર બાદ પણ જો રિઝર્વેશન હટાવવા માટે કોઈ જાહેરાત ન થાય તો આગામી દિવસોમાં ચૂંટણી માટે પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે.



