સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Surendranagar Municipal Corporation office

![]()
– અઘડ વહિવટના કારણે પ્રજાને તરસ્યા રહેવાની નોબત
– વારંવાર રજૂઆત છતાં નિયમીત-પુરતૂ પાણી નહીં આવતા ફિરદોષ સોસાયટી, મફતિયાપરાના રહિશોનો થાળી-વેલણ વગાડી વિરોધ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા કચેરીના વોર્ડ નંબર ૦૧ માં આવેલ ફિરદોષ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં રહેતા હજારો થી વધુ પરિવારોને પીવાનું પાણી અનિયમિત અને પૂરતું નહી મળતા ના છુટકે આ વિસ્તારમાં રહેતા મહિલાઓ અને રહીશોને બહારથી વેચાતા ટેન્કર મંગાવવાનો વારો આવી રહ્યો છે.
પાણીની સમસ્યા અંગે અનેક વખત તંત્રને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા રોષે ભરાયેલ મહિલાઓ સહિત સ્થાનિકોએ મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યોે હતો. આ તકે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પાણીથી સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપા તંત્રની બેદરકારી અને અણધડ વહીવટના કારણે પ્રજાને પાણી માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં પૂરતું, નિયમિત અને શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જયારે લોકોની રજૂઆતને પગલે મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા ટીમને સ્થળ પર મોકલી તપાસ હાથ ધરી પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.



