દમણમાં સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ તોડી પડાયું, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની મોટી કાર્યવાહી | Daman Illegal religious place government land Bulldozer action

![]()
Bulldozer Action: દમણના ખારીવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ નજીક આવેલી સિયા જાફરી મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવાનું ખૂલતાં આજે બુધવારે બુલડોઝર કાર્યવાહી દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
અગાઉ અપાઈ હતી નોટિસ
નાયબ જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમની હાજરીમાં કડક સુરક્ષા સાથે સિયા જાફરી મસ્જિદને તોડવામાં આવી હતી. દમણ તંત્ર દ્વારા મસ્જિદ સંચાલકોને અગાઉથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સમય મર્યાદા પૂર્ણ થતાં કોઈ સ્વૈચ્છિક પગલાં ન લેવાતા તંત્રએ આખરે કાયદાકીય રીતે મસ્જિદના બાંધકામને જમીનદોસ્ત કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો?
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવાયું
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દમણમાં બસ સ્ટેન્ડની આજુબાજુ તેમજ અન્ય વિસ્તારોમાં દબાણોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જે હટાવવા માટે નોટિસો તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શાંતિ જાળવી રાખવા અપીલ
આવનાર સમયમાં પણ દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહેશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સિયા જાફરી મસ્જિદનું દબાણ દૂર કરાયા બાદ વહીવટી તંત્રએ નાગરિકોને શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે.



