અમદાવાદના જુહાપુરામાં વિદેશીઓને ખંખેરતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, ‘ભણેલા-ગણેલા’ બે યુવાનોની ધરપકડ | Ahmedabad News Juhapura Illegal Call CenterTwo accused arrested Cyber Crime

![]()
Ahmedabad News: અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે બુધવારે જુહાપુરા વિસ્તારમાં દરોડા પાડીને એક ગેરકાયદે કોલ સેન્ટરને ઉઘાડું પાડ્યું છે. આ કેસમાં પોલીસે બે શખસોની ધરપકડ કરી છે, જેઓ વિદેશી નાગરિકો ટાર્ગેટ કરવા નકલી લોન કંપનીના પ્રતિનિધિ બનીને છેતરપિંડી આચરતા હતા.
મોબાઈલ ફોન, લેપટોપ જપ્ત
ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે જુહાપુરામાં મોતી બેકરી પાસે આવેલી રંગ અવધૂત સોસાયટીમાં બપોરે દરોડા કર્યા હતા. જે કાર્યવાહીમાં મુનાફખાન રશીદખાન પઠાણ (34) અને સૈકલેન મોહમ્મદ શફી સિપાઈ (29) નામના બે શખસોની ધરપકડ કરી, 60,400 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન, 2 લેપટોપ અને 2 પેન ડ્રાઈવ જપ્ત કરવામાં આવ્યા છે.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી?
તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા. છેતરપિંડીની શરૂઆત મુખ્ય આરોપી મુનાફખાન કરતો હતો, તે ટેલિગ્રામ દ્વારા વિદેશી નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતો હતો. ત્યારબાદ ‘Google Voice’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘Libertyfinancesloan.com’ નામની નકલી કંપનીના નામે વિદેશીઓને કોલ કે મેસેજ કરવામાં આવતા હતા. આરોપીઓ લોકોને વિશ્વાસમાં લેવા માટે નકલી લોન એપ્રૂવલ લેટર મોકલતા હતા. એકવાર વિશ્વાસ જીત્યા પછી, તેઓ પીડિતોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેતા અને તેમાં નકલી ચેક જમા કરાવી બેલેન્સ બતાવતા. ત્યારબાદ Cash App, Apple Pay, Walmart ગિફ્ટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સી (USDT) દ્વારા તે નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા.
કોલ સ્ક્રિપ્ટ્સ પણ મળી આવી
પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી નકલી લોન એગ્રીમેન્ટ, કોલ સ્ક્રિપ્ટ્સ અને વિદેશી નાગરિકોના ડેટા મળી આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNSની છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત કાવતરાની કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કેઆરોપી મુનાફખાન B.Com ગ્રેજ્યુએટ છે, જ્યારે સહઆરોપી સકલૈન ધોરણ 12 પાસ છે, બંનેએ ટેકનિકલ છેતરપિંડી જાતે જ શીખી હતી. હાલ પોલીસે કૌભાંડમાં અન્ય કેટલા પીડિતો છે તેમજ કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.



