મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad News Rakhial Divyang girl reunited family 181 women helpline Child Helpline

![]()
Ahmedabad News: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાગૃત નાગરિક, 181 અભયમ હેલ્પલાઇન અને સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે રસ્તો ભટકેલી 7 વર્ષની માસૂમ મૂકબધિર બાળકી સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચી છે. બાળકી સાંભળી કે બોલી શકતી ન હોવાથી તે ક્યાંથી આવી, કેવી રીતે આવી તેમજ કયા સમાજની છે તે શોધવું ખૂબ કઠિનભર્યું હતું. પણ કહેવત છે ને જેનું કોઈ નથી તેનો ઉપરવાળો છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા બાળકી મળી હોવાની જાહેરાત કરવામાં આવી તે બાદ ફોટો પણ ગ્રુપમાં ફરતો કરવામાં આવ્યો આખરે મહેનત રંગ લાવી અને બાળકીના પરિવારની ભાળ મળી.
બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકે 181 પર સંપર્ક કર્યો
રખિયાલના BRTS બસ સ્ટેન્ડ પર બપોરે 3 વાગ્યાથી એક નાની બાળકી એકલી બેસી રહી હતી. બાળકીને લાંબા સમય સુધી એકલી જોતા એક જાગૃત નાગરિકે તુરંત 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ઓઢવ લોકેશનની અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
બાળકી મૂકબધિર હતી, ચિત્રો દ્વારા ઓળખનો પ્રયાસ
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી મૂકબધિર (સાંભળી કે બોલી શકતી નથી) હોવાની સાથે માનસિક રીતે પણ અસ્વસ્થ હતી. તે પોતાનું નામ કે સરનામું જણાવી શકતી નહોતી. જો કે, કાઉન્સેલરે અલગ-અલગ ચિત્રો અને અવાજો દ્વારા ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા તે લઘુમતી સમાજની હોવાનું જણાયું હતું.
પોલીસે પરિવારને શોધવા અનોખો રસ્તો કાઢ્યો
બાળકીના પરિવારને શોધવા માટે ટીમે અનોખો રસ્તો અપનાવ્યો હતો. જેમાં આસપાસની મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા બાળકી મળી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. નજીકના તમામ પોલીસ સ્ટેશનોમાં બાળકીના ફોટા મોકલવામાં આવ્યા હતા. ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. બાળકીનો ફોટો સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપોમાં ફરતો થતાં, એક પરિચિત વ્યક્તિએ બાળકીના પિતાને જાણ કરી હતી.
બાળકી સુરક્ષિત મળી જતાં પિતા ભાવુક
પિતાએ સ્થળ પર પહોંચી જણાવ્યું કે તેમની દીકરી બપોરથી ઘરેથી નીકળી ગઈ હતી અને તેઓ ચિંતિત થઈને તેની શોધખોળ કરી રહ્યા હતા. બાદમાં એક ભાઈએ કહ્યું કે તમારી બાળકી મહિલા હેલ્પલાઈન પાસે છે, દીકરીને સહી-સલામત જોઈને પિતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે 181 અભયમ ટીમ તેમજ મદદ કરનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



