ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel office

![]()
વડોદરા, તા.17 ગોવાથી રેલવેના પાર્સલમાં વડોદરામાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું છે. રેલવેના પાર્સલોમાં ગોવાથી આવેલી દારૃની ૧૪૪ બોટલો કબજે કરી દારૃ મોકલનાર તેમજ ડિલિવરી લેનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે સાંજે રેલવે એલસીબીનો સ્ટાફ રેલવે સ્ટેશન પર હતો ત્યારે માહિતી મળી હતી કે પ્લેટફોર્મ નંબર-૬ પરની પાર્સલ ઓફિસના ખૂણામાં પડેલા ખાખી બોક્સમાં દારૃનો જથ્થો ભર્યો છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં સાત બોક્સ મળ્યા હતા તેમજ અંદરથી દારૃની વાસ પણ આવતી હતી. આ અંગે પાર્સલ ઓફિસના સ્ટાફને પૂછતા પાર્સલો મડગાંવ રેલવે સ્ટેશનેથી અનીલકુમાર (રહે.પટેલ ચોક પાસે, પણજી, નોર્થ ગોવા)એ મોકલ્યા છે અને રિસીવર તરીકે શિવાય સેલ્સ (શિવાંશ એપાર્ટમેન્ટ, ચાણક્યનગરી પાસે, અટલાદરા)નો ઉલ્લેખ અને હજી સુધી આ પાર્સલો લેવા કોઇ આવ્યું નથી તેમ જણાવ્યું હતું.
દરમિયાન પોલીસે પાર્સલો ચેક કરતાં અંદરથી ૧૨ નાના બોક્સ મળ્યા હતા અને તેમાં દારૃની રૃા.૧.૮૭ લાખ કિંમતની ૧૪૪ બોટલો હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

