ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Cracks Down on Illegal Drug Factories Rs 2 240 Crore Synthetic Drugs Seized

![]()
Synthetic Drug Seizure In Gujarat: વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 10 વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ડ્રગ્સ પકડાયું
ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ 2025માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી 2240 કરોડ રૂપિયાનું 20823 કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે.
વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1479 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2240 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.
દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે
સૂત્રોના જણવ્યાનુસાર, ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને તે અન્ય રાજ્ય, દેશોમાં મોકલવામાં આવે છે. ગાંધીધામ નજીકથી દરિયાકાંઠેથી પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યોને ક્યાં જવાનો હતો તેની જાણકારી બે વર્ષે પણ મળી નથી. બીજી તરફ, દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. દવાના ઉત્પાદનના બહાને ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ વર્ષ 2025માં પણ પકડાઈ ચૂકી છે. દેશ-દુનિયામાં ડિમાન્ડ વધતાં સિન્થેટીક ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે ઉત્પાદન મુદ્દે ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે. ગુજરાત પોલીસ, એટીએસ ઉપરાંત ડીઆરઆઈ અને એનસીબી સહિતની કેન્દ્રિય એજન્સીઓ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે સક્રિય કામગીરી કરી રહી છે.



