ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુધ્ધિકરણની યોજનાના અભાવે લોકો પર ખતરો | Lack of plan to purify stagnant water from check dam in Umarala poses threat to people

![]()
– કુવાના પાણી પર શેવાળનો તરતો થર સ્પષ્ટપણે દ્રષ્ટિમાન
– બંધિયાર પાણીની વચ્ચે આવેલા ગામકુવાના પ્રદુષિત પાણીથી રોગચાળાને નિમંત્રણ, પાણીના ક્લોરિનેશનમાં પણ અખાડા
ઉમરાળા : ઉમરાળા ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા યોજનાનો કૂવો કાળુભાર નદીના ચેકડેમની વચ્ચોવચ્ચ હોવાથી ચેકડેમના બંધિયાર પાણીથી કૂવો ભરેલો રહે છે આથી કૂવાનું પાણી પ્રદૂષિત હોય લોકોના આરોગ્ય માટે ખતરારૂપ રહે છે.ચેકડેમના પાણીને કૂવામાં જતું રોકવાનો ઉપાય કરવો હાલના સમયમાં અશક્ય નથી, એ માટેની પ્રતિબદ્ધતા અને વિઝનનો અભાવ જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બનેલ છે.
ઉમરાળાનો ગામકૂવો દાયકાઓથી નદીની વચ્ચે છે.ચેકડેમ બંધાયો તે અગાઉ નદીમાં પૂર હોય ત્યારે કૂવામાં ડહોળું પાણી ભરાતું હતું. પૂર ઓસર્યા પછી ડહોળા પાણીનો પ્રશ્ન રહેતો નહોતો. પરંતુ ગામતળ સામે નદીના પટમાં વર્ષ ૨૦૦૫માં ચેકડેમ બાંધવામાં આવ્યો ત્યારથી પૂર ઓસર્યા પછી પણ છેક મે મહિના સુધી ચેકડેમ ભરેલો રહેતો હોય કૂવો ચેકડેમના બંધિયાર પાણીથી ભરેલો રહે છે અને આવું બંધિયાર પાણી લોકોને પીવા માટે આપવામાં આવતુ હોય પ્રદૂષિત પાણીજન્ય રોગનો ભય રહે છે. કૂવામાં બંધિયાર પાણી જતું રોકવાનો ઉપાય કરાતો નથી. કૂવામાં ચેકડેમનું બંધિયાર, દુર્ગંધ મારતું પાણી ભરચક રહે છે, એટલું જ નહીં, કૂવાના એ પાણી પર શેવાળ (લીલ)નો થર તરતો કાળુભાર નદીના પૂલ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ચેકડેમનું બંધિયાર પાણી કૂવામાં જતું રોકવા ઉપાય કરાતો નથી કે નથી પાણીના શુદ્ધિકરણની કોઈ યોજના. પાણીનું ક્લોરિનેશન પણ કરાતુ નથી. મહી-પરીએજ યોજનાનું પાણી બંધ હોય ત્યારે સ્થાનિકો કૂવાનું પ્રદૂષિત પાણી જેમનું તેમ પીવા અને બિમાર પડી ડોક્ટરોની ફી અને દવાના પૈસા ખર્ચવા મજબૂર બને છે. ચેકડેમ નહોતો ત્યારે, અઢી-ત્રણ દાયકા અગાઉ, તત્કાલિન ગ્રામ પંચાયતે હાલના કૂવાથી દૂર, નદીના સામા કાંઠા નજીક બીજો એક કૂવો ગળાવીને તેને ઉપર સુધી એવી રીતે બંધાવ્યો કે કૂવામાં પૂરનું પાણી જઈ શકે નહીં, પણ દુર્ભાગ્યે એ કૂવાનું પાણી પીવાલાયક ન હોવાનો અભિપ્રાય આવતા એ કૂવો બિનઉપયોગી પડયો છે.હાલના કૂવાને પણ ઉપરના ભાગે એવી રીતે બાંધી શકાય કે, તેમાં પૂરનું કે ચેકડેમનું પાણી જઈ શકે નહીં,પણ તે માટે પૂર્વ પંચાયત જેવું વિઝન હોવું જરૂરી છે.



