વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will appear in cbse exam in vadodara

![]()
વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો તા.૧૭ ફેબુ્રઆરી, મંગળવારથી પ્રારંભ થશે.વડોદરા શહેર અને જિલ્લામાં સેન્ટ્રલ બોર્ડની ૫૫ સ્કૂલો છે.આ સ્કૂલોના ૧૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ૧૨ કેન્દ્રો પર પરીક્ષા આપશે.
બોર્ડ પરીક્ષાની શરુઆત ધો.૧૦ના પેપરથી થશે.પરીક્ષાનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૩૦નો છે પણ શહેરમાં ઠેર ઠેર ખોદકામ અને તેના કારણે થતા ટ્રાફિક જામના કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને સવારે ૮ વાગ્યે ઘરેથી નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.તેની સાથે સાથે પરીક્ષાના એક દિવસ પહેલા જે સ્કૂલમાં બેઠક નંબર આવ્યો છે તે સ્કૂલની મુલાકાત લઈને ત્યાં સુધી પહોંચવાનો રુટ નક્કી કરી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સવારે ૮-૩૦ વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે. ૧૦ વાગ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહીં અપાય.સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા માટેના પ્રશ્નપત્રો દરેક પરીક્ષા કેન્દ્રની નજીક આવેલી રાષ્ટ્રીયકૃત બેન્કના સ્ટ્રોંગરુમમાં મૂકવામાં આવ્યા છે.૧૨ કેન્દ્રો હોવાથી ૧૨ બેન્કોમાં પેપર રાખવાની વ્યવસ્થા કરાઈ છે.પરીક્ષા બાદ ધો.૧૨ની ઉત્તરવહીઓની શિક્ષકો હાથથી નહીં પણ કોમ્પ્યુટર પર સ્કેન કરીને ચકાસણી કરશે.



