દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond of Lihoda village of Dahegam taluka

![]()
કોલ્ડ સ્ટોરેજમાંથી છોડાયેલુ પાણી ઝેર સાબિત થયું
ખેતરોમાં પાણી પહોંચતા પાક બળી ગયાનો આરોપ સખત પગલા નહીં
લેવાય તો આંદોલનની ચિમકી
ગાંધીનગર : દહેગામના લીહોડા ગામના તળાવમાં ઢગલા મોઢે માછલીઓના મોત
થયાનો બનાવ બન્યો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી છોડવામાં આવેલા ઝેરી પાણીના કારણે માછલીઓ
મરી જવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે દુર્ગંધ ફેલાવા સાથે રોગાચાળાની દહેષત
ફેલાઇ છે. આ પાણી ખેતરોમાં પહોંચતા પાક બળી ગયાનો આરોપ મુકાયો છે. ત્યારે
ગ્રામવાસીઓએ સખ્ત પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
ગાંધીનગર જિલ્લામાં પણ પર્યાવરણીય સુરક્ષાની ઐસી કી તૈસી
કરતા બનાવોમાં વધુએકનો ઉમેરો થયો છે. જેમાં દહેગામ તાલુકાની લીહોડા ગ્રામ પંચાયત
હસ્તકના તળાવમાં નજીકમાં આવેલા કોલ્ડ સ્ટોરેજનું પ્રદુષિત પાણી છોડવામાં આવ્યાના
પગલે સેંકડો માછલીના મોત થયા હતાં. આ મુદ્દે ગ્રામવાસીઓ દ્વારા લાંબા સમયથી બુમો
પાડવામાં આવતી હતી. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવ્યાના કારણે
આખરે આ કિસ્સો બનીને રહ્યો હતો. તળાવમાં માછલીઓના મોત થવાથી આસપાસના વિસ્તારો સુધી
દુર્ગંધ ફેલાઇ રહી છે. સ્થાનિક રહેવાસીઓને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો
છે. વધારામાં ખેતરમાં પાક બળી જવાથી ખેડૂતોએ મોટી નુકશાની ઉઠાવવાની નોબત વાગી છે.
તલાટીએ સ્થળ સ્થિતિનો રિપોર્ટ આપી કાર્યવાહીનું સુચન કર્યું
તળાવમાં માછલીઓના મોત થવાની જાણ થવાના પગલે લીહોડા ગ્રામ
પંચાયતના તલાટી પ્રતિક્ષાબેન રાઠોડને સ્થળ સ્થિતિની તપાસનો રિપોર્ટ આપવાનો આદેશ
આપવામાં આવ્યો હતો. તેમણે ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે જ સ્થળ મુલાકાત લીધી હતી.
બનાવનું સતાવાર પંચનામુ કરવામાં આવ્યુ હતું. દહેગામ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત
કરવામાં આવેલા તપાસ અહેવાલની સાથે કાયદેસરની કાર્યવાહી કરવાનું તલાટી દ્વારા સુચન
કરાયુ હતું.
લાખાના મુવાડામાં કોલ્ડ સ્ટેરોજ દ્વારા ખેડૂતોને નુકશાની ચૂકવાઇ
ગામના તળાવમાં રહેલા પાણીને પ્રદુષિત કરવામાં આવે તેનાથી
આસપાસના ખેતરોમાં આ પાણી પહોંચવાની સાથે પાક બળી જવાની વાત સામાન્ય ગણવામાં આવે
છે. દરમિયાન લાખાના મુવાડા ગામના સરપંચ દ્વારા એમપણ જણાવવામાં આવ્યું કે
આવાકિસ્સામાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા જે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યુ
તેમને નુકશાની પેટે વળતર ચૂકવવામાં આવ્યુ હતું. લીહોડાના ખેડૂતો દ્વારા પણ વળતરની
માંગણી કરવામાં આવી છે.


