સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiva by keeping their locks

![]()
નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે : નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી પણ તેમના આધ્યાત્મિક જીવનનું એક અત્યંત મહત્વનું પ્રતીક છે
જૂનાગઢ, : ભવનાથના મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુઓ હોય છે. નાગા સાધુઓ શિવ સ્વરૂપે આવતા હોવાથી તેના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રિકો ભવનાથના મેળામાં ઉમટી પડે છે. આ સાધુઓ જટા અને દાઢી રાખે છે તેનું પણ વિશેષ મહત્વ છે.
ગિરનારની તળેટીમાં ભવનાથના મેળામાં આવતા સાધુઓ, ખાસ કરીને નાગા સાધુઓ માટે ‘જટા’ એ માત્ર લાંબા વાળ નથી, પણ તેમના આધ્યાત્મિક જીવનનું એક અત્યંત મહત્વનું પ્રતીક છે. ભગવાન શિવનું સ્વરૂપ સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે. શિવજી ‘વ્યોમકેશ’ કહેવાય છે, તેમની જટામાં ગંગાજીનો વાસ છે. સાધુઓ જટા રાખીને શિવજીના તે વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે. તે દર્શાવે છે કે તેઓ સંસાર છોડીને શિવમય બની ગયા છે. સામાન્ય રીતે માણસ પોતાના દેખાવને સુંદર બનાવવા માટે વાળ કપાવે છે અથવા તેલ-કાંસકાનો ઉપયોગ કરે છે. સાધુઓ જટા વધારીને એ સાબિત કરે છે કે તેમને હવે શારીરિક સુંદરતા કે સાંસારિક મોહ-માયામાં કોઈ રસ નથી તે તેમના પૂર્ણ વૈરાગ્યની નિશાની છે. યોગ અને તંત્ર શાસ્ત્ર મુજબ, માથું એ શરીરનું સૌથી મહત્વનું કેન્દ્ર સહસ્ત્રાર ચક્ર છે. એવું માનવામાં આવે છે કે લાંબી જટા રાખવાથી અને તેને બાંધી રાખવાથી સાધકની બ્રહ્મચર્ય શક્તિ અને આધ્યાત્મિક ઊર્જા બહાર વેડફાતી નથી, પણ અંદર જ સચવાયેલી રહે છે. જટા એ સાધુની વર્ષોની કઠિન સાધનાનું પ્રમાણ છે. જટાની માવજત કરવી એ પણ એક તપસ્યા સમાન છે. ભવનાથના મેળામાં જ્યારે સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે, ત્યારે આ જટાઓ દ્વારા જ તેઓ પોતાની વિશિષ્ટ પરંપરાના દર્શન કરાવે છે. ઘણા સાધુઓ પોતાની જટામાં રૂદ્રાક્ષની માળા કે ભસ્મ પણ ધારણ કરે છે, જે તેમને ધ્યાનની અવસ્થામાં રહેવામાં મદદરૂપ થાય છે.



