દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskantha woman raped by three relatives divorce lure

![]()
Banaskantha News : સંબંધોમાં લાગ્યું કલંક! છૂટાછેડા અપાવવાની લાલચે પિતરાઈ ભાઈ અને બે મામાએ પરિણીતાને પીંખી નાખી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જેમાં જેમના પર રક્ષણની આશા હોય તેવા જ નજીકના ત્રણ સંબંધીઓએ એક પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી છે.
મજબૂરીનો લીધો ગેરફાયદો
દિયોદર ગ્રામ્ય વિસ્તારની એક પરિણીતાને તેના પતિ સાથે અણબનાવ હતો. મહિલાને પોતાનો પતિ પસંદ નહોતો. પરિણીતા કોઈપણ સંજોગોમાં તેના પતિથી છૂટાછેડા લેવા માંગતી હતી. પરિણીતાની આ માનસિક સ્થિતિ અને મજબૂરીનો લાભ તેના જ નજીકના સંબંધીઓએ લીધો હતો.
છૂટાછેડાની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ
પીડિતાને તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી ત્રણ નરાધમો તેને અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. આ શખ્સોએ પરિણીતાને ભાભર, માણસા અને ગોજારીયા જેવા સ્થળોએ ફેરવી હતી અને આ દરમિયાન તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.
કોણ છે આ નરાધમો?
જ્યારે આ આરોપીઓના નામ અને સંબંધો સામે આવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યશ દરજી: પીડિતાનો પોતાનો પિતરાઈ ભાઈ (કાકા-બાપાનો ભાઈ), વિજય દરજી: સંબંધમાં પીડિતાના પતિના મામા, કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂત પીડિતાના માનેલા મામા. જે ભાઈ અને મામાના સંબંધો પવિત્ર ગણાય છે, તે જ લોકોએ પરિણીતાની લાજ લૂંટીને સંબંધોને શર્મસાર કર્યા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી
પોતાની સાથે થયેલા અન્યાય બાદ પીડિતાએ હિંમત એકઠી કરી દિયોદર પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ—યશ, વિજય અને વખતસિંહને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.



