વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી : એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે | Vadodara Additional CP and VMC Commissioner visit Sursagar for Preparations of Shivji Ki Sawari

![]()
Vadodara : મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તા. 15મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરના એડિ. પોલીસ કમિ. તથા મ્યુ. કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.
આગામી તા. 15, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 1.30 વાગ્યાના સુમારેથી રાતના 10 વાગ્યા સુધી શિવજી કી સવારી શિવ પરિવાર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે. આ વિશાળ શોભાયાત્રા દરમિયાન પોલીસ તંત્ર શહેરના દ્વારા જુદા જુદા વિસ્તારના 19 સ્થળોએ નો-પાર્કિંગ અને 34 જેટલા રોડ રસ્તા પર વાહન પાર્કિંગ માટે પ્રવેશબંધી ફરમાવાઇ છે. શિવજી કી સવારી શિવ પરિવારની શોભા યાત્રા નિમિત્તે તળાવમાં તૈયારીઓ શરૂ કરાય છે ત્યારે શહેર પોલીસ કમિશનર સાથે વીવી વિભાગના આયોજકોની પણ ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ટર એજન્સી કોઓર્ડીનેશન અને આયોજકો સાથે પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલેકટર કચેરીના અધિકારીઓ, એસએસજી સ્ટાફ, ફાયર બ્રિગેડ, વીજ નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજી બાજુ શિવજી કી સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન પણ આગામી રવિવારે અપાયું છે.
દરમિયાન શહેર પોલીસ તંત્રના એડિશનલ પોલીસ કમિશનર, પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ફાયર સ્ટાફ, એસએસજી સ્ટાફ, તથા વીજ નિગમ સ્ટાફ તથા અન્ય અધિકારીઓએ સુરસાગરની મુલાકાત લીધી હતી. સમી સાંજે સુરસાગર ખાતે શિવજીની વિશાળ પ્રતિમા સમક્ષ યોજનારી મહા આરતી સંદર્ભે તમામ ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્ય યોગેશ પટેલે ઉપસ્થિત રહીને તમામ અગ્રણીઓ સાથે મુલાકાત સમયે વિવિધ સૂચનો કર્યા હતા.



