ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchmahal News Fire breaks out at Arihant Garment in Godhra Fire brigade

![]()
Panchmahal News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના ભરચક ગણાતા પાંજરાપોળ વિસ્તારમાં આજે એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. અરિહંત ગારમેન્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી, કપડાંને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દુકાનના ત્રીજા તથા ચોથા માળને લપેટમાં લઈ લીધો હતો. આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
આ ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી. આગને કારણે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે સાવચેતીના ભાગરૂપે પાંજરાપોળ વિસ્તારનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ભીડને નિયંત્રિત કરી આગને ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આગ લાગવાનું કારણ અકબંધ
હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે પણ, ભીષણ આગ કયા કારણોસર લાગી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ ગારમેન્ટમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન છે, પરંતુ તપાસ બાદ જ સાચી વિગત બહાર આવશે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગારમેન્ટની દુકાનમાં મોટા ભાગનો માલ બળીને ખાક થઈ ગયો છે, જેથી વેપારીને આર્થિક ફટકો પડ્યો છે.



