મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red onions increased by 37 102 times compared to white onions in 3 days

![]()
– યાર્ડમાં ખેડૂતોને ઉંચા ભાવ મળી રહેતા રાહત
– સફેદ કાંદાની આવકમાં આગામી 20 દિવસ બાદ વધારો નોંધાશે,મે માસ સુધી ડુંગળીની આવક થતી રહેશે
ભાવનગર : મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદની સરખામણીએ લાલ ડુંગળીની આવકમાં અવિરતપણે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલુ જ નહિ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ઉંચા ભાવ મળી રહેતા હોય ખેડૂતોએ રાહત અનુભવી હતી. મહુવા યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં ૩૭,૧૦૨ ગુણીનો વધારો નોંધાયો હતો.
છેલ્લા ચારેક દિવસથી મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૫મીએ લાલ ડુંગળીની ૪૦,૧૫૦ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૭૩ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૨૦૨૧ થેલીનું વેચાણ થયુ હતુ. જે રૂા ૩૮૦ના ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૬ના રોજ લાલ ડુંગળીની ૩૨૧૧૪ થેલીનું વેચાણ થયુ હતુ.જેના ૩૨૦ ના ઉંચા ભાવ મળ્યા હતા.જયારે સફેદ ડુંગળીની ૧૬૬૬૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૪૦૧ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૭મીએ લાલ ડુંગળીની કુલ ૩૨,૪૧૦ થેલીઓનું તેમજ સફેદ ડુંગળીની ૨૮,૮૯૦ થેલીનું વેચાણ નોંધાયુ હતુ. જેમાં લાલ ડુંગળી રૂા ૨૮૦ના ઉંચા ભાવે અને સફેદ ડુંગળી રૂા ૩૭૨ ના ઉચા ભાવે વેચાઈ હતી. ત્રણ દિવસ દરમિયાન મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની કુલ મળીને ૧,૦૪,૬૭૪ ગુણીની આવક થઈ હતી જયારે સફેદ ડુંગળીની આવક ૬૭,૫૭૨ ગુણીની થઈ હતી. હાલ સફેદ ડુંગળીની આવક નહિવત છે જે આગામી ૧૫ થી ૨૦ દિવસ બાદ વધશે. લાલ ડુંગળીની યાર્ડોમાં આવક આગામી મે માસ સુધી ધમધમતી રહેશે.તેમ મહુવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ.


