કેનેડાના વિઝાના નામે દંપતિ લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયાની ફરિયાદ | Canada resident couple duped money after offer Canada PR Visa to many people

![]()
અમદાવાદ,સોમવાર
કેનેડાના પીઆર અપાવવાનું કહીને દંપતિએ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાઇકોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા લઇને ઓફિસ બંધ કરીને દંપતિ કેનેડા ફરાર થઇ ગયું હતું. આ અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નિકોલમાં આવેલી પલાસ પર્લ સોસાયટીમાં રહેતા સંદીપભાઇ પટેલને પરિવાર સાથે કેનેડામાં સેટલ થવાનું હોવાથી તેમના સગાના રેફરન્સથી ગુજરાત હાઇકોર્ટ સામે આવેલા સત્યમ ૬૪ કોમ્પ્લેક્સ સ્થિત દ્વિશા ઓવરસીઝ નામની ઓફિસમાં હાર્દવ બાબુ અને તેની પત્ની રૂચીતાનો સંપર્ક કર્યો હતો. તેમણે સંદીપભાઇ, તેમની પત્ની અને પુત્રીને કેનેડાના પીઆરની કામગીરી માટે ૫૮ લાખ રૂપિયા નક્કી કરીને જરૂરી ડોક્યુમેન્ટ લીધા હતા. જ્યારે ૧૬ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. ત્યારબાદ જરૂરી પ્રોસેસ ચાલુ હોવાનું કહીને હાર્દવ અને તેની પત્ની રૂચીતા સમય લંબાવતા હતા. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે દંપતિએ સંદીપભાઇને સગાને કેનેડાના વીઝાના નામે ૧૫ લાખ રૂપિયા એડવાન્સ લઇનેે છેતરપિંડી આચરી હતી. જેથી ઓફિસ પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાર્દવ અને તેની પત્ની રૂચિતા કેનેડા નાસી ગયા હતા અને અનેક લોકોના લાખો રૂપિયા લઇને પીઆરના નામે છેતરપિંડી આચરી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે


