ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની ફરિયાદ | two cheater duped huge money from people after offering flat and shops on cheap rate in Bopal

અમદાવાદ,શુક્રવાર
ઘુમામાં આવેલી ખેડૂતની જમીન પર પ્રીવીલોન ગુ્રપના નામે ફ્લેટ અને શોપની સ્કીમની જાહેરાત કરીને લોભામણી ઓફર આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર જયદીપ કોટક અને હિરેન કારિયા વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આકર્ષક કિંમતે ફ્લેટ અને શોપનું વેચાણ કરીને બે કરોડ રૂપિયા જેટલી રકમ લઇને પરત નહી કરીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અગાઉ પણ બંને આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડીની અનેક ફરિયાદ થતા ખાસ એસઆઇટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ગુજાર ગામમાં રહેતા શાંતિભાઇ જાવદે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે અમદાવાદમાં દુકાન ખરીદીને રોકાણ કરવા ઇચ્છતા હતા. તેમના જમાઇએ જણાવ્યું હતું કે ઘુમા ગામની સીમમાં પ્રીવીલોન ગુ્રપની રિચમન્ડ ૨૨ નામની ૨૨માળની એક સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેથી તેમણે જઇને તપાસ કરતા સાઇટ પર જયદીપ કોટક (રહે. એપલવુડ ટાઉન શીપ,સનાથલ) નામનો વ્યક્તિ મળ્યો હતો.
તેણે પોતાની ઓળખ બિલ્ડર તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે બે-ત્રણ બેડરૂમની ૨૨ માળની બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન બનાવવામાં આવશે. શાંતિભાઇએ દુકાન લેવાની વાત કરતા તેમને પહેલા પેમેન્ટના બદલામાં વ્યાજબી ભાવ કરી આપવાનું કહીને નાણાં લીધા હતા. આ ઉપરાંત, અન્ય લોકોને પણ દુકાન આપવાનું કહીને આશરે ૧.૦૫ કરોડ રૂપિયા લીધા હતા. ત્યારબાદ રોકાણકારોને જયદીપ કોટક એને હિરેન કારિયાનું કૌભાંડ સોમે આવ્યું હતું. જેમાં તેમણે એક જ દુકાન અનેક લોકોને વેચાણે આપી હતી.
અન્ય ફરિયાદમાં સાઉથ બોપલમાં આવેલા સન સાઉથ રેઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપ ગાથા હાલ તે સ્થળે રહે છે. તે બિલ્ડીંગમાં તિરાડ પડી ગઇ હોવાથી અન્ય એપાર્ટમેન્ટમાં જવા માંગતા હતા અને તેમને પ્રીવીલોનની સ્કીમ પંસદ આવતા તેમણે ફ્લેટ બુક કરાવ્યો હતો.
પરંતુ, નાણાં લીધા બાદ પણ બાંધકામ શરૂ ન થતા તપાસ કરતા બંને બિલ્ડરોએ છેતરપિંડી કર્યાની જાણ થઇ હતી. જયદીપભાઇ સાથે અન્ય લોકોના ૧.૧૭ કરોડ રૂપિયા લઇને ફ્લેટ બુકીંગના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી. બોપલ પોલીસે હાલ બંને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.



