गुजरात

ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન | Ahmedabad: Retired Constable Cleared After 27 Years Dies Soon After High Court Verdict



Ahmedabad News: ન્યાય વિલંબિત હોઈ શકે છે, પરંતુ તે ક્યારેક કેટલો કરુણ હોય છે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. માત્ર 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષ સુધી કાયદાકીય જંગ લડનાર એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને હાઈકોર્ટે નિર્દોષ તો જાહેર કર્યા, પરંતુ આ ખુશીના સમાચાર તેમના જીવનનો છેલ્લો વિજય સાબિત થયા. ચુકાદાની ગણતરીની કલાકોમાં જ તેમનું કુદરતી મૃત્યુ નિપજ્યું છે.

1997માં લાંચનો આરોપ લાગ્યો હતો

આ ઘટનાની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા જંક્શન પાસે ફરજ બજાવતા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી. વર્ષ 2004માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે પોલીસકર્મીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 27 વર્ષ સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.

આ પણ વાંચો: સમાજ સામે વિક્રમ ઠાકોરે બાંયો ચઢાવી, કહ્યું -‘ડીજે બંધ કરવાનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો’

હાઈકોર્ટનું અવલોકન અને નિર્દોષ જાહેર

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોની કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, લાંચની માંગણી અને સ્વીકાર બાબતે સરકારી પક્ષ પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ કરી શક્યું નથી. પુરાવાઓના અભાવે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો અને પોલીસકર્મીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

આ કેસમાં અરજદારના એડવોકેટ નિતિન ગાંધીએ જણાવ્યું હતું કે, ‘ચુકાદો આવ્યા બાદ પોલીસકર્મી અત્યંત ભાવુક અને ખુશ હતા. વર્ષોથી લાગેલું કલંક દૂર થતાં તેમણે એડવોકેટની ઓફિસે જઈને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તે સમયે લાગણીસભર થઈને કહ્યું હતું કે, 27 વર્ષે માથા પરથી કલંક ઉતર્યો છે, હવે તો ભગવાન લઈ લે તો પણ સારું.’ કુદરતની કરુણતા જુઓ કે, આ શબ્દો ઉચ્ચાર્યા અને તેમનું કુદરતી મૃત્યુ થયું હતું.





Source link

Related Articles

Back to top button