સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત થઈ | 75356 kg of dairy products proved to be adulterated in Surat in the last one year

![]()
એક સમયે સુરત વિશ્વમાં ખાણીપીણી માટે વિખ્યાત હતું જેના કારણે સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત પણ પડી છે. પરંતુ આ કહેવત હવે સુરત માટે વ્યંગ જેવી બની ગઈ છે. ખાણીપીણી માટે વિશ્વ વિખ્યાત રહેલું સુરત શહેર હવે ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટનું હબ બની રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના છેલ્લા એક વર્ષના આંકડા જોઈ ભલભલા પનીર- ચીઝના શોખીન સુરતીઓ ડેરી પ્રોડક્ટ ખાવાનું જ છોડી દે તેવા છે. છેલ્લા એક વર્ષમાં અધધધ એટલે કે 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી લેબોરેટરીમાં સાબિત થઈ ગઈ છે અને એક જ વર્ષમાં ધી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો 1.96 કરોડનો જથ્થો સીઝ કરવામા આવ્યો છે.
ટેસ્ટની નગરી સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ફાસ્ટ ફૂડમાં ચીઝ- બટર અને પનીરનો ઉપયોગ વધી રહ્યો છે આ ડિમાન્ડ જોઈને કેટલાક લેભાગુ વેપારીઓએ ડેરી પ્રોડક્ટ માં મોટા પાયે ભેળસેળ શરુ કરી દીધી છે. તેમાં પણ થોડા સમય પહેલા સુરભી ડેરી નામની એક ડેરી અને ગોડાઉન તથા પ્રોડક્શન હાઉસ માંથી મોટા પાયે બનાવટી પનીર ઝડપાયું હતું. આ ડેરીમાંથી રોજ એક હજાર કિલો પનીર નું વેચાણ કરવામાં આવતું હતું. સુરત ની સુરભી ડેરીમાંથી રોજ એક હજાર કિલો પનીર નું વેચાણ થતું હતું તે પનીર નહી પણ પનીર એનાલોગ વેચાણમાં આવતું હતું. વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, એસીટીક એસિડ તથા હલકી ગુણવત્તાના દૂધ માંથી આ પનીર બનાવી વેચાતું હતું જેનો ભાંડાફોડ લેબોરેટરી તપાસમાં થયો હતો. જોકે, ડેરીએ ફરીથી ભેળસેળ ન કરે તેવું લખી આપતા આશ્ચર્યજનક રીતે સીલ ખોલી આપવામાં આવ્યા હતા.
છેલ્લા એક વર્ષના ફૂડ વિભાગની કામગીરી ના આંકડા જોવામાં આવે તો સૌથી વધુ ભેળસેળ વાળી વસ્તુ ડેરી પ્રોડક્ટ હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામા આવે તો ફૂડ વિભાગે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા જેમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત થઈ છે અને સુરતમાં એક જ વર્ષમાં ધી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો 1.96 કરોડનો જથ્થો પોલીસે સીઝ કર્યો છે.
આટલી મોટી માત્રામાં ઘી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ અને મીઠો માવો ઝડપાયો હોય તો એમાંનો કેટલો સામાન લોકોના પેટમાં પહોંચી ગયો હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભેળસેળખોરોના આ કારસ્તાન થી સુરતીઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે, ત્યારે ફૂડ વિભાગ અને તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
સુરત શહેરમાં ડેરી પ્રોડક્ટના નામે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા એક વર્ષમાં ઝડપાયેલા ભેળસેળવાળા ડેરી પ્રોડક્ટના કેસોમાં મોટાભાગનો શંકાસ્પદ જથ્થો કામરેજ, વરાછા અને પુણા પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવતા આ વિસ્તારો ભેળસેળના ગઢ બન્યા હોવાની ગંભીર શંકા ઉભી થઈ છે.
તપાસમાં ખુલ્યું છે કે કામરેજ, વરાછા અને પુણા જેવા ઘન વસ્તી ધરાવતા વિસ્તારમાં નાના ગોડાઉન અને ગેરકાયદે યુનિટોમાં ભેળસેળ કરી ડેરી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી અને લોકો માં વેચવામાં આવતી હતી.



