ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in the name of Hindutva in an incident caused by the municipality’s negligence

![]()
– નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક
– સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા : નડિયાદમાં ગૌવંશના અવશેષો મામલે ઉશ્કેરણી કરનારા નેતાઓની પોલ ખુલી
નડિયાદ : નડિયાદના છાંટીયાવાડમાં ગૌવંશના અવશેષો મળવા પાછળ ગૌમાલિકો અને પાલિકાની બેદરકારી જવાબદાર હોવાનું સીસીટીવી ફૂટેજમાં સાબિત થયું છે. હકીકત જાણ્યા વિના હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક તત્વોએ લોકપ્રતિનિધિનું અપમાન કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. માત્ર દૂધ દોહી પશુધનને રઝળતું મૂકી દેનારાઓની પાપલીલાને ઢાંકવા ધામક લાગણીઓ ભડકાવનાર નેતાઓની ઉશ્કેરણીજનક નીતિનો હવે પર્દાફાશ થયો છે.
નડિયાદના છાંટીયાવાડ વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા બે દિવસથી આ મુદ્દે હિન્દુત્વના નામે મેદાને પડેલા કેટલાક લોકોની ઉશ્કેરણીજનક નીતિ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ઉઘાડી પડી ગઈ છે. હકીકતમાં, મલ્હારપુરાના નાકા પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક વાછરડું મૃત હાલતમાં પડયું હતું. સ્થાનિક રહીશો અને પૂર્વ પ્રતિનિધિઓએ ગૌમાલિકોને આ મૃતદેહ હટાવવા વારંવાર વિનંતી કરી હોવા છતાં, માત્ર દૂધ દોહી ખાવામાં જ રસ ધરાવતા ગૌમાલિકોએ પશુધન પ્રત્યેની સંવેદના નેવે મૂકીને વાછરડું ત્યાંથી હટાવ્યું નહોતું. જેના પરિણામે રખડતા કૂતરાંઓએ આ મૃતદેહને ફાડી ખાધો હતો અને તેનો અંશ ખેંચીને છાંટીયાવાડ સુધી લાવ્યા હતા, જે સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે.
આ સંજોગોમાં જ્યારે સત્ય સામે હતું, ત્યારે કેટલાક બની બેઠેલા સંગઠનવાદીઓએ કોઈપણજાતની તપાસ વગર શહેરનું વાતાવરણ તંગ કરવાનો અને હિન્દુ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યોે હતો અને લોકપ્રતિનિધિનું પણ જાહેરમાં અપમાન કર્યું હતું. આખી ઘટનામાં ગૌમાલિકોની નિુરતા અને નડિયાદ નગરપાલિકાની સફાઈ પ્રત્યેની ઘોર બેદરકારી જવાબદાર હોવા છતાં, આ મુદ્દાઓને ઢાંકવા માટે ધામક લાગણીઓનો સહારો લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. વગર તપાસે ઉછળતા નેતાઓએ કાઉન્સિલરને ગટર અને પાણી પૂરતું મર્યાદિત રહેવા જેવું નિવેદન આપતા શહેરભરમાં ચર્ચાઓ ઉઠી છે.
પાલિકાની સફાઈ કામગીરીની પોલ ખુલી
શહેરના ભરચક ગણાતા મલ્હારપુરા નાકા પાસે દિવસો સુધી મૃત પશુ પડી રહ્યું હોવા છતાં પાલિકાના આરોગ્ય વિભાગને તેની ગંધ સુદ્ધાં આવી નહોતી. જો સમયસર આ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હોત તો આજે શહેરમાં તંગદિલી સર્જાવાની નોબત જ ન આવત. પાલિકાની આ આળસુ નીતિને કારણે જ કૂતરાંઓએ પશુને ફાડી ખાવાની અને તેના અવશેષો જાહેર માર્ગો પર લાવવાની તક મળી હતી.
ગૌપ્રેમના નામે માત્ર દૂધનો વેપાર કરતા માલિકો
ગૌપ્રેમના ઓઠા હેઠળ માત્ર દૂધનો વ્યવસાય કરતા પશુપાલકોની સંવેદનહીનતા આ ઘટનામાં મુખ્ય ગુનેગાર તરીકે ઉભરી છે. વાછરડું મૃત હોવાની જાણ હોવા છતાં અંતિમ વિધિ કરવાને બદલે તેને જાહેર માર્ગ પર જ રઝળતું મૂકી દઈ ગૌમાલિકોએ નિુરતાની તમામ સીમાઓ ઓળંગી દીધી છે. દૂધ દોહતી વખતે પશુધન પ્રત્યે વ્હાલનો દેખાવ કરતા તત્વો મરણ બાદ જીવને કૂતરાંઓ દ્વારા ફાડી ખાવા માટે નિરાધાર છોડી દે છે. આ પ્રકારના દ્રશ્યોે અનેકવાર સામે આવ્યાં છે. તો બીજીતરફ શહેરભરમાં ગૌમાલિકો, પશુપાલકો રખડતાં છોડી દેતા ગૌધન પ્લાસ્ટિક ખાવા મજબૂર છે, જેથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



