જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાયા : પોલીસમાં ગુનો નોંધાયો | businessman was caught using a child under 14 years of age in his shop in Jamnagar

![]()
Jamnagar : જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી એક વેપારી પેઢીમાં શ્રમ આયુક્ત અધિકારી સહિતની ટુકડી દ્વારા તપાસણી કરવામાં આવી હતી, જ્યાં 14 વર્ષથી નાની વયના બાળક પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બાળકને મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયું છે, જ્યારે વેપારી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.
જામનગરની શ્રમ આયુક્ત વિભાગની સરકારી કચેરીના અધિકારી કે જેઓ ગઈકાલે સંયુક્ત ટિમની સાથે ચેકીંગમાં નીકળ્યા હતા, અને રણજીતસાગર રોડ પર આવેલી પંથી સેલ્સ એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં વેપારી જસમીનભાઈ હરિભાઈ અકબરી દ્વારા પોતાની વેપારી પેઢીમાં 14 વર્ષથી નાની વયના એક બાળકને કામે રાખવામાં આવ્યો હતો, અને તેની પાસેથી બાળ મજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સમગ્ર ટીમ દ્વારા બાળકને મુક્ત કરાવ્યું હતું, અને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યું છે. તેમજ તેના વાલીને પણ બોલાવીને જાણકારી અપાઇ છે, અને ફરીથી બાળક પાસેથી કામ નહીં કરાવવા માટે સૂચન કર્યું હતું.
આ ઉપરાંત સરકાર પક્ષે શ્રમ આયુક્ત વિભાગના સરકારી અધિકારી ફરીયાદી બન્યા હતા, અને વેપારી જસ્મિનભાઈ હરિભાઈ અકબરી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) 1986 ની કલમ 3 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



