અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લેવાયો | Younger brother kills elder brother over a common matter in Krishnanagar Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગરમાં ચામુંડાની ચાલીમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરકામમાં મદદ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ખૂનીખેલ ખેલાયો હતો. જેમાં એક ભાઈએ પોતાના જ સગા મોટા ભાઈ પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી.
કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા
અમદાવાદ શહેરના ચામુંડાની ચાલીમાં બે ભાઈઓ પોતાના પરિવાર અને બહેન સાથે રહેતા હતા. મોટો ભાઈ કલરકામનો વ્યવસાય કરતો હતો, જ્યારે નાનો ભાઈ એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ બનાવના દિવસે મોટો ભાઈ ઘરમાં કલર કરી રહ્યો હતો, ત્યારે તેની બહેને નાના ભાઈને કામમાં થોડી મદદ કરવા માટે વિનંતી કરી હતી. બહેનની આ મદદની વાત સાંભળીને નાના ભાઈને ગુસ્સે આવ્યો અને બહેન પર હુમલો કરવા દોડ્યો હતો.
બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લેવાયો
બહેનને બચાવવા માટે જ્યારે મોટો ભાઈ વચ્ચે પડ્યો, ત્યારે આવેશમાં આવી ગયેલા નાના ભાઈએ છરી વડે મોટા ભાઈના પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં લોહીલુહાણ થયેલા મોટા ભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 2 તારીખે રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ
આ મામલે જી ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, મૃતકની પત્ની પ્રિયંકાબેન સહાનીની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બંને ભાઈઓ પરિણીત હતા અને સંતાનો પણ છે. આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઈતિહાસ નથી, પરંતુ ક્ષણિક આવેશમાં તેણે આ અપરાધ કર્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


