જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી | Love Rivalry Sparks Deadly Attack in Junagadh’s Vanthali One Dead One Critical

![]()
Junagadh Crime News: જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સોમવારે (બીજી ફેબ્રુઆરી) મોડી રાત્રે પ્રેમ પ્રકરણની અદાવતમાં હિંસક ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે ચાર શખસોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, વંથલીના ઝાંપા વિસ્તારમાં 25 વર્ષીય તાજીમ અને તેનો મિત્ર શકીલ જેઠવા હાજર હતા, ત્યારે અચાનક ચાર શખસો તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તાજીમની સાથે રહેલા શકીલ જેઠવાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શકીલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની સરાવરા ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી
પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનો ઘટસ્ફોટ
ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. યુવતીના પરિવારજનોએ અદાવત રાખીને તાજીમ પર આ હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ચાર શખસો સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.



