गुजरात

પેટલાદના ખડાણામાં તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવાયેલી યુવકની લાશ મળી | Body of a youth found murdered with a sharp weapon in Khadana Petlad



– હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શક્યતા 

– પ્રાથમિક તપાસમાં યુવક મૂળ ખંભાતના કાણીસા ગામનો વતની અને કેટલાક સમયથી ખડાણા માસીને ત્યાં રહેતો હોવાનું જણાયું

આણંદ : પેટલાદ તાલુકાના ખડાણા ગામે આવેલા રામદેવવાળા ફળિયામાં સોમવારે એક ૪૫ વર્ષીય યુવકની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યા શખ્સો દ્વારા મૃતકનું ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું હતું. હત્યાની જાણ પોલીસને થતા પેટલાદ ગ્રામ્ય પોલીસ અને એલસીબી પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શક્યતા જોવાઈ રહી છે. 

પેટલાદ તાલુકાના ખડાણા ગામના રામદેવવાળા ફળિયામાં એક યુવકની લાશ પડી હોવાની માહિતી સોમવારની સવારે પોલીસને મળતા પોલીસની ટીમ તુરંત જ રામદેવ વાળા ફળિયામાં દોડી ગઈ હતી. જ્યાં તપાસ કરતા મૃતકના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ યુવકનું ગુપ્તાંગ પણ કાપીને નજીકમાં ફેંકી દેવામાં આવ્યું હતું. હત્યાની આ ઘટનાને લઇ પેટલાદના ઇન્ચાર્જ ડીવાયએસપી અને એલસીબીની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા મૃતક બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉં.વ. ૪૫) હોવાનું જાણવા મળ્યું હતું અને તે મૂળ ખંભાત તાલુકાના કાણીસા ગામના વતની હોવા સાથે છેલ્લા કેટલાક સમયથી ખડાણા ગામે રહેતા માસીને ત્યાં રહી છૂટક મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ડોગ સ્કોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદથી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ક્રૂર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શક્યતા જોવાઈ રહી છે. પોલીસ દ્વારા વિવિધ થિયરી ઉપર તપાસ કરી કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બેથી ત્રણ શંકાસ્પદોને પણ રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાય જાય તેવી શક્યતા છે.



Source link

Related Articles

Back to top button