લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તંત્રમાં દોડધામ | Valsad: Under Construction Water Tank Slab Collapses Corruption Allegations Surface

![]()
Valsad News: વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનો સ્લેબ સોમવારે (બીજી ફેબ્રુઆરી) અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. અંદાજે 54 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડતા સરકારી કામકાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા કલ્યાણ બાગ ખાતે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટાંકીનો ઉપરનો સ્લેબ અચાનક જમીનદોસ્ત થયો હતો. ટાંકી તૂટી પડવાના દ્રશ્યો નજીકની દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે અત્યંત ભયાનક છે. જોકે, આ દુર્ઘટના સમયે કોઈ શ્રમિક કે રાહદારી નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના આક્ષેપો
ટાંકી બન્યા પહેલા જ સ્લેબનો ભાગ ધરાશાયી થતા સ્થાનિકો અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના રેતી, કપચી અને લોખંડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓના મેળાપીપણામાં દેખરેખના અભાવે આ દુર્ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વલસાડમાં વારંવાર બનતી ઘટનાઓ
વલસાડમાં આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય અગાઉ પણ નિર્માણ પામી રહેલા એક પુલના પિલરનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ વલસાડ પાલિકા અને જીયુડીસીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવે છે.



