તમાકુ પર 40 ટકા જીએસટી નાબુદ કરવાની માગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ | Tobacco purchase banned in Gujarat from today with demand to abolish 40 percent GST on tobacco

![]()
– રાજયમાં 5 લાખથી વધુ હેક્ટરમાં તમાકુનું વાવેતર
– પાક તૈયાર થતાં જ 44 વેપારી એસોસિએશનોએ તમાકુની ખરીદી, વેચાણ અચોક્કસ મુદ્દત સુધી નહીં કરવાનો નિર્ણય કર્યો
આણંદ : ચરોતર સહિત ગુજરાતમાં પાંચ લાખ હેક્ટરથી વધુમાં તમાકુનું વાવેતર કરાયું છે. ચરોતર તમાકુ વેપારી એસોસિએશન સહિતના ૪૪ એસોસિએશનો દ્વારા આવતીકાલ ૧ ફ્રેબુઆરીથી તમાકુ પર લગાવેલો ૪૦ ટકા જીએસટી નાબુદ કરવાની માગણી સાથે તમાકુની ખરીદી અને વેચાણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાની એલાન કરાયું છે.
આણંદ અને ખેડા જિલ્લામાં અઢી લાખ હેક્ટર સહિત ગુજરાતમાં પાંચ લાખ હેક્ટરથી વધુ તમાકુનું વાવેતર કરાયું છે. ચાલુ વર્ષે ૧૨ લાખ મણથી વધુ તમાકુનું ઉત્પાદન થવાની સંભાવના છે. ટુંક સમયમાં જ તમાકુનો પાક તૈયાર થઇને બજારમાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તમાકુની વિવિધ ખરીદી માટે એક્સાઇઝમાં વધારો કરવામાં આવ્યો છે. તમાકુ પર કુલ ૪૦ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. જેના પગલે વેપારીઓએ વિરોધ કર્યો છે. બંને જિલ્લાના અંદાજે ૫ લાખથી વધુ ખેડૂતોએ શિયાળુ પાકમાં વાવેતર કરેલો તમાકુના પાક ઉપર જોખમ જોવા મળ્યું છે.
ચરોતર તમાકુ એસોસિએશનના ચેરમેનના જણાવ્યા પ્રમાણે, એકસાઇઝ પર નક્કર ચોખવટ ના થાય ત્યાં સુધી કોઇએ બિલિંગ, લોડિંગ કે નવો વ્યાપર કરવો નહીં. એસોસિએશન દ્વારા જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી તમાકુની ખરીદી ન કરવી સહિતના નિર્ણયો કરાતા કારોબારી સહિતના સભ્યોએ સમર્થન આપ્યું છે.
આ ઉપરાંત ખેડા, આણંદ, ઊંઝા, મહેસાણા, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ થરાદ, લાડોલ, ભરૂચ, ભાવનગર, રાજકોટ, કચ્છ, જુનાગઢ, અમદાવાદ. અમરેલી. વડોદરા સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ના તમાકુના વેપારીઓ પહેલી ફ્ેબુ્રઆરીથી ખરીદી બંધ કરશે.
ઉત્તર ગુજરાતના એસોસિશન પણ આંદોલનમાં જોડાયા
ડીસા તમાકુ વેપારી એસોસિએશન, ઊંઝા વિભાગ તમાકુ એસોસિએશન, લાડોલ તમાકુ એસોસિયેશન, દિગડી – પાટણ તમાકુ એસોસિયેશન દ્વારા ૧-૦૨-૨૦૨૬ રવિવારથી સરકારે તમાકુ ઉપર લગાવેલી એકસાઇઝ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં ના આવે ત્યાં સુધી સરકાર સામે આંદોલન કરવાનું હોવાથી દરેક તમાકુના વેપારીએ સંપૂર્ણ રીતે તમાકુનું ખરીદ – વેચાણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.



