હળવદના કવાડિયા નજીક શ્રમિકો ભરેલી બોલેરો પલટી, 13 ને ઇજા | Bolero truck carrying workers overturns near Kawadia in Halvad 13 injured

![]()
– 3 મહિલા સહિત 5 ની હાલત ગંભીર, મોરબી ખસેડાયા
– બોલેરો માનસર જીઆઈડીસીમાંથી ચુલી જતી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
હળવદ : હળવદના કવાડિયા નજીક માનસર જીઆઈડીસીમાંથી ચુલી જતી શ્રમિકો ભરેલી બોલેરો પલટી મારી જતાં અખસ્માત સર્જાયો હતો. જેમાં ૧૧ મહિલા સહિત ૧૩ને ઇજા પહોંચી છે. ત્રણ મહિલા સહિત પાંચની હાલત ગંભીર જણાતા મોરબી ખસેડાયા છે. હાલ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામ પાસે માનસર જીઆઈડીસી વિસ્તારમાંથી મજૂરોને લઈને ચુલી તરફ જઈ રહેલી એક બોલેરો પીકઅપ અચાનક પલટી ખાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, વાહનની તેજ ગતિ અથવા સ્ટીયરીંગ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાની શંકા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
આ અકસ્માતમાં કુલ ૧૩ શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં ૧૧ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને સૌ પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રમેશભાઈ, વિનુબેન, આરતીબેન, મંજુબેન અને શાંતાજી નામના પાંચ શ્રમિકોને ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વધુ સારવાર માટે તાત્કાલિક મોરબી રીફર કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તો જીવતીબેન, જયપાલ, વસંતબેન, લાભુબેન, વર્ષાબેન, જાગુબેન, ધુનાબેન, મનિષાબેનને હળવદમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વાહનચાલકની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની તપાસ શરૂ કરી છે. વારંવાર ઓવરલોડ મજૂરો ભરીને જતાં વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



