गुजरात

1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે વૃધ્ધ પકડાયો | Old man caught with whale fish vomit worth over Rs 1 crore



જૂનાગઢ તાલુકાના વિજાપુરમાં ગ્રાહક શોધતો હતો

પાલીતાણાના વૃધ્ધે તળાજાથી વ્હેલ માછલીની ઉલ્ટી મેળવી હોવાનું રટણ, એસઓજીએ વન વિભાગને હવાલે કર્યો

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના વિજાપુર બસ સ્ટેન્ડ નજીકથી એસઓજીએ બાતમીના આધારે પાલીતાણાના વૃધ્ધને પકડી તપાસ કરતા તેની પાસેથી ૧ કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. એસઓજીએ આ વૃધ્ધને વન વિભાગને હવાલે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ વૃધ્ધ તળાજાથી ઉલ્ટી મેળવી ગ્રાહકની શોધમાં જૂનાગઢ પંથકમાં આવ્યો હોવાનું રટણ કરતો હતો. આવતીકાલે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ અંગેની વધુ વિગત મુજબ ખડીયા-પાદરીયા રોડ પર રેલ્વે ટ્રેક નજીક એક શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી જેવા મૂલ્યવાન પદાર્થ છુપાવી શંકાસ્પદ રીતે વેંચવા માટે આંટા મારતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ આર.કે. પરમાર સહિતના સ્ટાફે વિજાપુરના પાટીયા પાસે જઈ તપાસ કરતા વિજાપુરના બસ સ્ટેશન ખાતેથી પાલીતાણાના બહારપરા વિસ્તારમાં રહેતો પંકજ નાથાલાલ કુબાવત(ઉ.વ.૭ર) શંકાસ્પદ હાલતમાં થેલી લઈ ઉભેલો મળ્યો હતો. એસઓજીએ થેલીમાં તપાસ કરતા તેમાં નાના-મોટા સફેદ કલરના ટુકડાઓ અને ભુક્કો મળ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ પદાર્થ વ્હેલ માછલીની ઉલ્ટી હોવાનું જણાવ્યું હતું.

 એસઓજીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧,૦ર,પ૦,૦૦૦ની કિંમતની ૧ કિલોથી વધુ વ્હેલ માછલીની ઉલ્ટી કબ્જે કરી હતી. આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ પદાર્થ તળાજાના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું અને તેને જોયે ઓળખતો હોવાનું જણાવ્યું હતું. વ્હેલ માછલીની ઉલ્ટી વેંચવા માટે ગ્રાહક શોધવા માટે જૂનાગઢ પંથકમાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું. એસઓજીએ આ શખ્સને વન વિભાગના હવાલે કર્યો હતો. આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, પંકજ કુબાવત આ પદાર્થ તળાજાથી લઈ આવ્યાનું કહે છે, આવતીકાલે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button