જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત | Mother injured in accident near Jambuwa Bridge: Five year old son dies

![]()
વડોદરા,પાંચ વર્ષના પુત્રને લઇને બાઇક પર બોયફ્રેન્ડ સાથે સુરત જતી મહિલાને જાંબુવા બ્રિજ નજીક અકસ્માત નડતા પાંચ વર્ષના પુત્રનું મોત થયું હતું. જ્યારે માતા અને તેના બોયફ્રેન્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
નર્મદા જિલ્લાના ગરૃડેશ્વર તાલુકાના ગભાણા ગામે રહેતા ભારતીબેન તડવીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચ વાગ્યે મારા મિત્ર અજય પ્રવિણભાઇ તડવી (રહે.નઘાતપોર ગામ,તા.ગરૃડેશ્વર, જિ.નર્મદા) નો મારા પર કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, આપણે સુરત રહવા જતા રહીએ. હું તને લેવા ગભાણા ગામના બસ સ્ટેન્ડ પાસે આવું છું. હું મારા પાંચ વર્ષના દીકરા શિયાંશને લઇને ગઇ હતી. અજય આવતા તેની બાઇક પર બેસીને અમે સુરત જવા નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યે અમદાવાદથી સુરત જતા રોડ પર એક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અમે ત્રણેય જણા રોડ પર ફંગોળાઇને પડયા હતા. મને જમણા પગે, મારા દીકરાને પેટ તથા કમર અને મારા મિત્ર અજયને જમણા હાથે ઇજા થઇ હતી. અમને ત્રણેયને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મારા દીકરાનું મોડીરાત્રે મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલક સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ શરૃ કરી છે.



