સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસની PCR વાન પર ચઢી મચાવ્યો હોબાળો | Vadodara Shocked as Drunk Woman Creates Chaos by Climbing PCR Vehicle

![]()
Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરાત્રે (15મી જાન્યુઆરી) એક નશામાં ધૂત યુવતીએ ભારે હોબાળો મચાવતા પોલીસ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. નશાની હાલતમાં આ યુવતીએ પોલીસની પીસીઆર વાન પર ચઢી જઈને તેણે ડ્રામા કર્યો કે કલાકો સુધી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
યુવતીએ ગામ માથે લીધું!
પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવતીનો તેના પ્રેમી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગુસ્સામાં આવેલી અને નશાની હાલતમાં રહેલી યુવતીએ રસ્તા પર હંગામો કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ ગામ માથે લીધું હોય તેમ બેફામ વર્તન કર્યું હતું. જ્યારે મકરપુરા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી, ત્યારે યુવતી સીધી પોલીસ વાનની ઉપર ચઢીને બેસી ગઈ હતી અને પોલીસ તેમજ ત્યાં હાજર લોકો સાથે અભદ્ર વર્તન કરવા લાગી હતી. સ્થળ પર એક સાથે 3 થી 4 પીસીઆર વાનનો કાફલો ખડકી દેવાયો હતો, પરંતુ યુવતીના નશાધૂત અને આક્રમક વલણને કારણે મહિલા પોલીસકર્મીઓ પણ થોડો સમય લાચાર બની ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા
પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સૂત્રોના જણાવ્યાનુસાર, આ યુવતી અવારનવાર આવી હરકતો કરતી હોવાથી તેના પરિવારજનો પણ તેનાથી ત્રાસી ગયા છે. સ્થાનિક રહીશો પણ યુવતીના રોજના ત્રાસથી પરેશાન હોવાથી આખરે પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. મકરપુરા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પરિવારજનોને બોલાવીને આ અંગે જાણ કરવામાં આવી છે. જાહેરમાં નશો કરી હંગામો કરવા બદલ તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.


