કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bomb: Investigation in full swing

![]()
સ્કૂલ,
કોર્ટ અને કચેરીઓમાં બોમ્બ મુકાયાના મેઇલથી દોડધામ
સુરક્ષા એજન્સી દ્વારા ચેમ્બર,કચેરી, શૌચાલય, પાર્કિંગ પ્લેસ, રેકર્ડ રૃમ અને અગાસીમાં ચેકિંગ કર્યું ઃ કઇ શંકાસ્પદ ન મળ્યું
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓ, કોર્ટ્સ અને
કલેક્ટર કચેરીઓમાં બોમ્બ મૂકવાના ધમકીભર્યા મેસેજ અને ઈ-મેઈલનો સિલસિલો ચાલી રહ્યો
છે. આ કડીમાં આજે સવારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની
ધમકી આપતો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાએ વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો, જેના પગલે
તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આજે સવારે કલેક્ટરના અધિકૃત ઈ-મેઈલ એડ્રેસ પર બોમ્બ ધમકીનો
મેઈલ આવતા જ વહીવટી અધિકારીઓએ ગંભીરતા દાખવી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરી
હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ
સ્ક્વોડની ટીમોને કલેક્ટર કચેરી દોડાવી હતી. સુરક્ષાના કારણોસર કચેરીમાં હાજર તમામ
કર્ર્મચારીઓ, અધિકારીઓ
અને અરજદારોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા. કચેરી સંકુલને
પૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું,
જેથી તપાસમાં કોઈ અડચણ ન આવે.ટીમોએ અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને કલેક્ટર
કચેરીના તમામ ચેમ્બરો, ઓફિસો, શૌચાલયો, લોબી, સ્ટોરેજ
રૃમ-રેકર્ડ રૃમ, ધાબા, અગાસી, પાકગ પ્લેસ તેમજ
આસપાસના વિસ્તારોમાં સઘન તલાશી હાથ ધરી હતી. દરેક ખૂણે-ખાંચરે તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ
શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ જેવું કંઈ મળ્યું નહીં. આખરે તપાસ પૂર્ણ થતાં ધમકીને ખોટી
જાહેર કરવામાં આવી હતી. તપાસના અંતે કોઈ જોખમ ન હોવાનું સ્પષ્ટ થતાં અધિકારીઓ અને
કર્મચારીઓએ રાબેતા મુજબની કામગીરી ફરી શરૃ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા
દિવસો અગાઉ જ અભ્યાસના ભાગરૃપે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ અને
પોલીસની અન્ય ટીમો દ્વારા સઘન ચેકિંગ અને મોક ડ્રિલ કરવામાં આવી હતી. જેના કારણે આ
વખતે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી શક્ય બની હતી.


