નડિયાદ પશ્ચિમના બે બિલ્ડર બંધુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ | Atrocity complaint filed against two builder brothers from Nadiad West

![]()
– અગાઉ બિલ્ડરે ખંડણી માંગ્યાની ફરિયાદ આપી હતી
– જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણીની માગણી કર્યા અંગેની નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે હવે સામાવાળાએ બિલ્ડર બંધુઓ સામે જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવતા નડિયાદ પશ્ચિમ પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ શાંતિ ફળિયું અમદાવાદી દરવાજા બહાર રહેતા મુકેશભાઇ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમારના મિત્ર ભરતભાઈ ગભાભાઇ બારૈયાની જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તેઓ તેમની સાથે મુદતમાં જતા હતા. આ દરમિયાન કોર્ટમાંથી બહાર નીકળતા રાજુભાઈ જીવણભાઈ પટેલ અને નરેશભાઈ જીવણભાઈ પટેલે મુકેશભાઈ દેવજીભાઈ પરમાર અને તેના મિત્ર ભરતભાઈ બારૈયા કોર્ટમાંથી નીકળી એક્ટિવા લઈને મિલ રોડ ઉપરથી આવી રહ્યાં હતા. ત્યારે રાજુભાઈ પટેલે તેને ઉભો રાખી તું ભરતને કહીશ તો કેસ પાછો ખેંચી લેશે, તે તારું માનશે તેમજ કેસ પાછો નહીં ખેંચે તો ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી અને બંનેને તેમની ઓફિસે બોલાવ્યા હતા. જેથી મુકેશભાઈ દેવજીભાઈ પરમાર તેમનો મિત્ર ભરતભાઈ બારૈયા અને નટુભાઈ તળપદા પેટલાદ રોડ પર આવેલા અલર્ક કોમ્પ્લેક્સમાં આવલી ઓફિસમાં ગયા હતા. કે દરમિયાન રાજુભાઈ જીવણભાઈ પટેલ અને તેમના ભાઈએ અમારી પાસે સમય નથી તમે ઊભા થઈ જાવ બહાર નીકળી જાવ તેમ કહી ભરતભાઈ બારૈયાને જણાવેલ કે, તમારે કોઈ પણ કામ હોય તો મારી પાસે આવી જવું તમારું કામ કરી દઈશ પરંતુ મુકેશભાઈ પરમારને લઈને આવીશ નહીં તેમ કહી જાતિ વિરુદ્ધ શબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે મુકેશભાઈ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે રાજુભાઈ જીવણભાઈ પટેલ તેમજ નરેશભાઈ જીવણભાઈ પટેલ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



