કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર ચીટનીશ, મામલતદાર નાયબ ચીટનીશ ! | will be appointed in the Collector’s office Mamlatdar will be appointed as Deputy Mamlatdar

![]()
સુરેન્દ્રનગરની જેમ જૂનાગઢનું રેવન્યુ વિભાગ પણ ચર્ચામાં મહત્વની હોમ, એસ્ટા, જમીન, પુરવઠા શાખામાં વર્ષોથી એકને એક માનીતા વ્યક્તિઓનો દબદબો છે
જૂનાગઢ, : સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર મુદ્દે કલેક્ટરની ધરપકડ થઈ છે ત્યારે સવાલો એ ઉઠે છે કે, શું ગુજરાતમાં એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લામાં જ ભ્રષ્ટાચારનો ભોરીંગ ચાલે છે ? જૂનાગઢ જીલ્લામાં રેવન્યુ વિભાગના કેટલાય કર્મચારી અને અધિકારીઓનો કલેક્ટર કચેરીની મુખ્ય શાખામાં વર્ષોથી દબદબો છે. એકને એક સ્થળે વર્ષોથી ફરજ બજાવતા હોવા છતાં તેની બદલી થતી નથી. આ ઉપરાંત મુખ્યત્વે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદારને ચીટનીશનો ચાર્જ અને મામલતદારને નાયબ ચીટનીશનો ચાર્જ આપવામાં આવ્યો છે.
જૂનાગઢની કલેક્ટર કચેરીમાં મહત્વની શાખામાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ વર્ષોથી એકને એક સ્થળે જ છે. મોટાભાગના કર્મચારીઓની કે અધિકારીઓની બદલી માત્ર કહેવા પુરતી કરીને ફરી બે-ત્રણ માસમાં હતા તેને તે જગ્યાએ કે કલેક્ટર કચેરીની મહત્વની શાખામાં કરી દેવામાં આવી રહી છે. સામાન્ય રીતે સરકારનો પરિપત્ર છે કે, દરેક શાખાનો તથા દરેક ટેબલનો અનુભવ મળે તે માટે અલગ-અલગ જગ્યાએ બદલીઓ કરવી જોઈએ પરંતુ આ નિયમનો જૂનાગઢ રેવન્યુ વિભાગમાં ખુલ્લેઆમ ભંગ થાય છે. સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન હોય તેવું જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે. જે ચીટનીશ તરીકે ફરજ બજાવે છે તે વ્યક્તિ નાયબ મામલતદાર છે અને જે મામલતદાર છે તે નાયબ મામલતદારની નીચે એટલે કે નાયબ ચીટનીશ તરીકે ફરજ પર રાખવામાં આવ્યા છે. આવું કરવા પાછળનું કારણ શું હોય તેને લઈ અનેક અટકળો ચાલી રહી છે.
કલેક્ટર કચેરીની જમીન શાખા, હોમશાખા, એસ્ટા શાખા, પુરવઠા શાખા સહિતની શાખાઓમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને ક્લાર્કમાંથી નાયબ મામલતદારનું પ્રમોશન આવી ગયું છતાં પણ તેને કલેક્ટર કચેરીની બહાર અન્ય તાલુકામાં બદલીઓ થતી નથી. તેવી જ રીતે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પણ અમુક કર્મચારીઓ વર્ષોથી પોતાનો અડીંગો જમાવી બેઠા છે. જ્યારે નાનો-મોટો કંઈ વિવાદ કે ફરજીયાત થાય ત્યારે કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓને બે-ચાર માસ પુરતી બદલી કરી નાખવામાં આવે છે. ફરી તેને કલેક્ટર કચેરીની જ કોઈપણ શાખામાં ઓર્ડર થઈ જાય છે. કલેક્ટર કચેરીના હાલના જે કર્મચારીઓ-અધિકારીઓ છે તેનો ઈતિહાસ તપાસવામાં આવે તો મોટાભાગની નોકરી મુખ્ય શાખાઓ અને તે પણ કલેક્ટર કચેરીમાં જ ફરજ બજાવી છે. વર્ષોથી કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતાઓએ સુવ્યવસ્થિત સાંકળમાં ગોઠવાઈ ગયા હોવાની ચર્ચાને રેવન્યુ વિભાગમાં જોર પકડયું છે. સરકારે ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવો હોય તો જૂનાગઢમાં પણ તપાસ કરવી જરૂરી છે.



