गुजरात

ભાવનગરમાં આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 70 લાખથી વધુનો ખર્ચ થશે | Inter Corporate Cricket Tournament in Bhavnagar to cost over Rs 70 lakh



– અન્ય મહાપાલિકાની ટીમો આવશે, તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત  

– મંગળવારથી ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે, આજે મોટાભાગની ટીમો ભાવનગર આવી જશે

ભાવનગર : ગુજરાતમાં દર વર્ષે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુદી જુદી મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે પરંતુ આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટમાં લાખો રૂપિયાનો ખર્ચ થશે. મહાપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે આગામી તા. ૬ થી ૯ જાન્યુઆરી-ર૦ર૬ દરમિયાન ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે આશરે રૂા. ૭૦ લાખથી વધુનો ખર્ચ થશે. આ ખર્ચ માટે ખાનગી કંપનીઓ સહિતની પાસેથી ફંડ લેવામાં આવેલ છે અને જો રૂપિયા ઘટશે તો મહાપાલિકાના સ્વભંડોળમાંથી પણ ફંડ લેવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ આડે હવે એક દિવસ રહ્યો છે તેથી મેદાન, સ્ટેજ સહિતની તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ વગેરે મહાપાલિકાના કમિશનરની ૮ અને મેયરની ૮ ટીમ ભાગ લેશે. 

મોટાભાગની ટીમો આવતીકાલે સોમવારે આવી જશે અને કેટલીક ટીમો મંગળવારે સવારે આવશે તેમ જાણવા મળેલ છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. બહારથી આવતી ૧૪ ટીમને રહેવા માટે જુદી જુદી ખાનગી હોટલો બુક કરાવવામાં આવી છે. મહાપાલિકા દ્વારા જુદી જુદી કામગીરી માટે ૧૦ કમિટી બનાવવામાં આવી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, સર ભાવસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ અને રેલવે ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. મહાપાલિકાનું તંત્ર હાલ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યુ છે. 

રાજકોટ મેયરની ટીમ નહીં આવતા ભાવનગર મેયરની ટીમને ફાયદો થશે 

રાજકોટમાં વાયબ્રન્ટનો કાર્યક્રમ હોવાથી ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ મેયરની ટીમ ભાગ લેવા નહીં આવે તેવી શકયતા છે, જેના કારણે ભાવનગર મેયરની ટીમને ફાયદો થશે. ભાવનગર મેયરની પ્રથમ મેચ રાજકોટ મેયરની ટીમ સામે છે. ભાવનગર મેયરની ટીમને પ્રથમ મેચમાં રમ્યા વગર જ જીત મળી જશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

બહારથી આવતી ટીમોને હેરીટેજ સહિતના સ્થળ દેખાડાશે 

ભાવનગર શહેરમાં ૮ મહાપાલિકાની ટીમો ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા માટે આવવાની છે ત્યારે આ ટીમોને ભાવનગરના હેરીટેજ સ્થળો, બાગ-બગીચા, તળાવ સહિતનાં સ્થળ દેખાડવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા વાહન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જાણવા મળેલ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી પણ નહીં આવે 

ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુખ્યમંત્રી હાજરી આપતા હોય છે તેથી ભાવનગર મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓ મુખ્યમંત્રીને આમંત્રણ આપવા પણ ગયા હતા પરંતુ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આવશે નહીં તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 



Source link

Related Articles

Back to top button