गुजरात

ગિરનારના 2500માં પગથિયાં પરથી પડી જતાં અમદાવાદના યાત્રિકનું મોત, માહોલ ગમગીન | Ahmedabad Pilgrim Dies in Fatal Fall at Girnar Hills Junagadh



Girnar Mountain Accident: નવા વર્ષની પૂર્વસંધ્યાએ જૂનાગઢના ગિરનાર પર્વત પર એક અત્યંત દુખદ ઘટના બની છે. ગિરનારના દર્શનાર્થે આવેલા અમદાવાદના એક યાત્રિકનું આશરે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના જેસરના વતની અને હાલ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં રહેતા આશિષભાઈ અમૂલભાઈ દોશી (ઉં.વ. 45) ગત 31મી ડિસેમ્બરના રોજ ગિરનાર પર્વત પર દર્શન માટે આવ્યા હતા. યાત્રા દરમિયાન આશરે 2500 પગથિયાં પાસે તેઓ થાક ખાવા માટે બેસવા ગયા હતા, ત્યારે અચાનક સંતુલન બગડતા તેઓ ઊંડી ખીણમાં અકસ્માતે નીચે પટકાયા હતા.

આ અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને મહામુસીબતે તેઓને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આશિષભાઈને ડોળી મારફતે તાત્કાલિક ગિરનાર તળેટી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ અથવા ફરજ પરના તબીબોએ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ ભવનાથ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આશિષભાઈ કયા સંજોગોમાં નીચે પડ્યા અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આશિષભાઈના આકસ્મિક નિધનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ અકસ્માતે મોતના ગુના હેઠળ આગળની તપાસ ચલાવી રહી છે.



Source link

Related Articles

Back to top button