गुजरात

અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને ઢસડતા મોત | Ahmedabad Hit and Run: Bike Rider Dragged to Death by Unknown Car Near Gujarat College



Ahmedabad Accident News: અમદાવાદ શહેરમાં નવા વર્ષની સાંજે જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એલીસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાસે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે મોટરસાઈકલ સવારને અડફેટે લઈ રોડ પર ઢસડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પાલડીથી ચાણક્યપુરી જતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ચંન્દ્રકાંતભાઈ વેલજીભાઈ પંચાલ ગત 1 જાન્યુઆરીના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે પોતાની મોટરસાઈકલ પર અર્ચનાબેન ઓઝાને બેસાડીને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ચાલકને રોડ પર ઢસડ્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી પ્રચંડ હતી કે ચંન્દ્રકાંતભાઈ રોડ પર પટકાયા હતા અને કાર ચાલક તેમને રોડ પર ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં ચંન્દ્રકાંતભાઈને છાતીના ભાગે પાંસળીઓમાં ગંભીર ફેક્ચર અને શરીરે અન્ય જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક એલીસબ્રિજની એસ.વી. હોસ્પિટલ (SV Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.

પોલીસે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી

આ ઘટના અંગે ઋષિ ચંન્દ્રેશકુમાર પંચાલે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત કોલેજ અને પાલડી વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કારનો નંબર અને ચાલકની ઓળખ થઈ શકે. નવા વર્ષની શરૂઆતમાં જ સર્જાયેલા આ અકસ્માતે પંચાલ પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે.



Source link

Related Articles

Back to top button