ગોધરા: લગ્નનાં ફેરાનાં ગણત્રીનાં કલાક પહેલા જ પિતાના ઘરમાં દીકરીની ડોલી નહિં અર્થી ઉઠી
ગોધરા- જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક પણ કહીં શકાય !! આવી જ એક દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં લગ્ન દિવસે જાનના આગમન પૂર્વે જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ અવસાન (Daughter Death) થઇ ગયુ હતું જેને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને ગામ-સમાજમાં શોકની કાલિમા છવાઈ છે. ત્યારે અહીં કોણ જાણી શકે કાળને રે… જેવી પંક્તિઓ સત્ય સાબિત થતી જોવા મળી છે.
ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં રહેતાં ચન્દ્રસિંહ સોલંકીના દીકરી વંદના કુંવરબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે ગોઠવાયા હતા. 23 તારીખના દિવસે બપોરે ત્રણ વાગ્યે વંદના કુંવરબા પ્રભુતામાં પગલાં પાડવાની હતી. આ લગ્ન પ્રસંગ નિમિતે સામાજિક રિતિ રિવાજ મુજબ ગણેશ સ્થાપના ,ગ્રહ શાંતિ સહિતની તમામ વિધી 21 અને 22 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી.
22 જાન્યુઆરીએ રાત્રે ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વજનોના સથવારે વંદનાકુંવરબા પણ હોંશે હોંશે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.બીજા દિવસે 23 જાન્યુઆરીએ હસ્ત મેળાપ વિધિ હોવાથી પરિવારનાં સભ્યો લગ્નમાં આવેલા મહેમાનોની સરભરા અને જાનનાં આગમન માટે તૈયારીઓમાં જોતરાયા હતા.