પોલીસકર્મી બન્યો બુટલેગર, 27 બોટલ દારુ સાથે પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદ: 31 ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાયા. પરંતુ હવે તો પોલીસ કર્મચારી પણ બુટલેગર બનીને હેરાફેરી કરે છે. આવા જ એક પોલીસ કર્મચારીની પાલડી પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે. પાલડી વિસ્તારમાં સુમેરુ કોમ્પ્લેક્સ પાસે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો હેડ કૉંસ્ટેબલ વસંત પરમાર એક્ટિવામાં દારૂની બોટલો લઈને જતો હતો આ દરમિયાન પોલીસે અટકાયત કરી તપાસ કરતા એક્ટિવાની અંદરથી 27 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. અસારવા પાસેથી મોહન સિનેમા પાસેની ચાલીમાંથી આ દારૂનો જથ્થો લાવ્યો હોવાની આરોપી પોલીસ કર્મીએ કબૂલાત કરી છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર છે. કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી કરે છે. પાલડી પોલીસને બાતમી મળી હતી કે એક બુટલેગર દારૂનો જથ્થો લઈને પાલડી સુમેરુ ચાર રસ્તાથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ દરમ્યાન એક શકાસ્પદ એક્ટિવા પસાર થતા પોલીસે ચેકીંગ કર્યું. તો દારૂના જથ્થા સાથે વસંત પરમાર ઝડપાયો હતો. બુટલેગર સમજીને પૂછપરછ કરતા વસંત પરમાર પોલીસ કર્મચારી હોવાનું ખુલ્યું હતું. પાલડી પોલીસે દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર ટ્રાફિક વિભાગના ફરજ બજાવે છે. છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા વસંત પરમારએ શોર્ટકટ માં પૈસા કમાવવા દારૂની હેરાફેરી શરૂ કરી હતી. માતાને હાર્ટની તકલીફ હોવાથી બીમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવા વસંત પરમાર પોલીસ કર્મચારીની સાથે બુટલેગર બન્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અસારવાથી દારૂનો જથ્થો લઈને આવતા પોલીસના હાથે જ ઝડપાઇ ગયો. પાલડી પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.