પાવર કૉરિડોર: ગુજરાતમાં IAS પછી હવે IPS ઑફિસરોની બદલીની સંભાવના, 60થી વધુ બદલાશે
ગાંધીનગર: ગાંધીનગરમાં શું સરકારી કચેરીઓમાં શું બને છે તે જાણવાની તાલાવેલી દરેક લોકોને હોય છે. ખાસ કરીને બ્યૂરોક્રસી ની ગોસિપ વાંચવાની લોકોને મજા પડે છે. દર સોમવારે અમે ‘પાવર કૉરિડોર’ ના મથાળા હેઠળ આવી જ કેટલીક ગોસિપ વિશે જણાવીશું. તાજેતરમાં રાજ્યમાં થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીની ખૂબ ચર્ચા થઈ રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇને હવે આવનાર બદલીઓ ઘણી મહત્ત્વપૂર્ણ છે. પહેલા જ 77 જેટલા આઇએએસ (IAS) અધિકારીઓની બદલી થઇ ચૂકી છે. હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ (IPS) અધિકારીઓની બદલીનો ગંજીપો તૈયાર છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે ચૂંટણી પહેલાં જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનર અને વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ફેરબદલ થશે.
ગૃહ વિભાગના સૂત્રોનું માનીયે તો 60થી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી થવાની સંભાવના છે. આ વિભાગમાં બદલી સાથે અડધો ડઝન ઓફિસરોને બઢતી પણ આપવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ની હાલમાં જ થયેલી ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં ફેરબદલીની સંભાવના અને ચર્ચાઓ તેજ બની છે. અમિત શાહ સાથે પ્રાથમિક તબક્કે બદલીઓ મુદ્દે સીએમ રુપાણીએ ચર્ચા પણ કરી હોવાનું કહેવાય છે. જોકે, તમામ બદલીઓ રથયાત્રા પહેલા થાય તેવા કોઇ સંકેત નથી.
પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરો ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર માળખું બદલાય તેવી સંભાવના છે. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તેમજ આગામી બિગ પ્રોજેક્ટસને અનુલક્ષીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના પોલીસ કમિશર પણ બદલાય તેવી સંભાવના ગૃહ વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.
ડો. જયંતિ રવિ: ગુજરાતથી જતાં જતાં…
ગુજરાતના વહીવટી તંત્રમાં એવા કેટલાય આઇએએસ ઓફિસર્સ છે જેઓ મલ્ટીટેલેન્ટેડ છે. જેમણે વહીવટી તંત્રમાં તેમને ફળવાયેલા ડિપાર્ટમેન્ટ સિવાય પણ અન્ય જગ્યાઓએ તેમની વિશિષ્ટ આવડતોની નોંધ લેવડાવી છે. જાપાન ડેપ્યુટેશન પર ગયેલા આઇએએસ મોના ખંધાર સારુ ગાય છે. હાયર એજ્યુકેશનમાંથી શ્રમ અને રોજગારના અગ્રસચિવ બનેલા અંજુ શર્મા સારા લેખિકા છે. મહિલા બાળ વિકાસના ડીરેક્ટરમાંથી પોરબંદરના કલેકટર બનેલા અશોક શર્મા એક સારા એક્ટર હોવા ઉપરાંત નિયમિત કટાર લેખક પણ છે. આવા જ મલ્ટીટે લેન્ટેડ અધિકારીઓની શ્રેણીમાં પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ અને હાલ પુડ્ડુચેરી ખાતે ડેપ્યુટેશન પર મોકલાયેલા ડૉક્ટર જયંતિ રવિનો પણ સમાવેશ થાય છે.