રાજકોટ: થેલેસેમિયાગ્રસ્ત બાળક લોહી ચડાવ્યા બાદ થયો HIV પોઝિટિવ, પરિવાર પર વજ્રઘાત
રાજકોટમાં એક ઘોર બેદરકારી સામે આવી છે. બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. જે બાદ હોસ્પિટલે પણ ચેક કર્યા વગર બાળકને લોહી ચડાવી દીધું. જે બાદ તપાસ કરતા બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે જોઇને જ પરિવાર હેબતાઇ ગયો હતો. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા દીકરાની જિંદગી જોખમમાં મુકાઈ છે. આ મામલો પ્રકાશમાં આવતા શહેર કૉંગ્રેસ શુક્રવારે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
મજૂર પિતાની ન્યાયની માંગ
પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કહ્યું હતું કે, હું કડિયા કામ, મજૂરી કરું છું, આ અમારો એકનો એક દીકરો છે. તેને પહેલેથી એક બીમારી સામે તો લડવું જ પડતું હતું, એમાં હવે આ બીજી દઇ દીધી. અત્યારસુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેંકની આટલી મોટી ભૂલને કારણે હવે HIVગ્રસ્ત થઈ ગયો છે. થેલેસેમિયાગ્રસ્ત હોવાથી જન્મ થયા બાદ દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી માંગ એટલી જ છે કે, જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંકવાળાએ લોહીની તપાસ કર્યા વગર જ ચડાવી દીધું છે. આવું બીજા કોઇ સાથે ન થાય એ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.