સંબંધ મરી પરવાર્યા? કાકાએ જ માનસિક અસ્વસ્થ ભત્રીજી પર અનેકવાર આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. જેથી માનસિક અસ્વસ્થ ભત્રીજીએ નવજાતને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં માનસિક અસ્વસ્થ યુવતી તેના પરિવાર સાથે જ રહેતી હતી. 27 વર્ષીય આ યુવતી ભલે માનસિક અસ્વસ્થ હતી પરંતુ તેને કોઈપણ કામ કહો તે હોંશે હોંશે કરી આપતી અને તેના આ સ્વભાવને કારણે કુટુંબ અને ફળીયાના લોકો તેને કંઇકને કંઇક કામ સોંપતા. તેના આ સ્વભાવને લઈ તેના પિતાના ફોઈના દીકરા પ્રવીણ રાઠવા એટલે કે યુવતીના કૌટુંબિક કાકા તેને અવાર નવાર ખેતરમાં કામ માટે લઇ જતા હતા. પરિવારને એમ કે કાકા છે, કામ માટે બોલાવી જાય છે ખેતરમાં કામ કરતાં કરતાં કાકા પ્રવીણની દાનત આ માનસિક અસ્વસ્થ ભત્રીજી ઉપર બગડી અને તેણે ભત્રીજીની મંદ બુદ્ધિનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરંતુ પીડિતા મંદ બુદ્ધિની હોવાને લઈ તેણે આ બાબતે કોઈને કંઇ કહ્યું નહીં. ત્યારબાદ આ હવસખોર કાકાની હિંમત વધી ગઇ.