આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહી | political news dahod aap suspends three taluka panchayat members for defying whip

Dahod AAP Suspends 3 Members: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોમાં શિસ્તભંગના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા. ત્યારે હવે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને ગેરશિસ્ત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના સત્તાવાર આદેશ એટલે કે ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ ત્રણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે શિક્ષાત્મક પગલાં ભરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહીને પક્ષ સાથે દ્રોહ કરવાનો ગંભીર આરોપ
ગત 25 મે 2026ના રોજ યોજાયેલી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર જીતેલા આ સભ્યોને પક્ષ તરફથી વ્હીપ આપવામાં આવ્યો હતો. જો કે, આ ત્રણેય સભ્યો પક્ષના આદેશની અવગણના કરીને મતદાન પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. પક્ષના મોવડીમંડળના જણાવ્યા અનુસાર આ સભ્યો પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા, જેના કારણે પક્ષની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે.
AAP પ્રદેશ પ્રમુખની સૂચનાથી જિલ્લા પ્રમુખે જાહેર કર્યો સસ્પેન્ડ લેટર
આ ગંભીર શિસ્તભંગની ઘટનાને પગલે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખે તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના આપી હતી. જે બાદ દાહોદ જિલ્લા AAPના પ્રમુખ દ્વારા 22 જૂન 2026ના રોજ સત્તાવાર સસ્પેન્ડ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા ત્રણેય સભ્યોને પક્ષના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ પ્રકારની સાંગઠનિક જવાબદારીઓમાંથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા 3 સભ્યોની યાદી
પક્ષમાંથી હાંકી કઢાયેલા સભ્યોમાં સુખસર અને દાહોદ તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે.
-દિનેશભાઈ રાયસિંગભાઈ બિલવાળ (બેઠક નં. 11 – જાલત, તા. દાહોદ)
-કપિલાબેન સુનિલભાઈ માવી (બેઠક નં. 31 – રેટીયા, તા. દાહોદ)
-અંબાબેન ઈશ્વરભાઈ ચરપોટ (બેઠક નં. 12 – મોટા નટવા, તા. સુખસર)
આ ઉપરાંત પક્ષના તમામ પદાધિકારીઓને કડક સૂચના અપાઈ છે કે, સસ્પેન્ડ કરાયેલા આ ત્રણેય સભ્યોને પક્ષના તમામ સત્તાવાર તાલુકા સ્તરના અને સોશિયલ મીડિયા (વોટ્સએપ) ગ્રૂપોમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે.


