गुजरात

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ! | Ex Agniveers to Get 20% Reservation and Age Relaxation in Gujarat Jobs



Ex-Agniveers Jobs In Gujarat: દેશની સેવામાંથી નિવૃત્ત થઈને પરત ફરનારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, આ ભરતી પ્રક્રિયાઓમાં તેને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં પણ વિશેષ રાહત આપવામાં આવશે.

આ વિભાગોમાં મળશે લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી લશ્કરમાંથી સેવા આપીને પરત ફરેલા યુવાનોને સીધો રોજગાર મળી રહેશે. પૂર્વ અગ્નિવીરોને  હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.એફ. (SRPF): પ્લાટૂન કમાન્ડર તથા એસ.આર.પી. પોલીસ કોન્સ્ટેબલ અને જેલર ગૃપ-2 અને જેલ સિપાઈની સીધી ભરતી અને વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) વર્ગ-3 તેમજ વનપાલ વર્ગ-3ની ભરતીમાં અનામતનો લાભ મળવાપાત્ર રહેશે.

શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ

સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરો માટેના નિયમો વધુ હળવા કરવામાં આવ્યા છે. હવેથી આ તમામ વર્ગ-3ની સીધી ભરતી પ્રક્રિયા દરમિયાન પૂર્વ અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે નહીં, એટલે કે તેમાંથી તેને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ સાથે જ, આવી ભરતીઓ માટે નક્કી કરવામાં આવેલી નિયત ઉપલી વય મર્યાદામાં પૂર્વ અગ્નિવીરોને 3 વર્ષ સુધીની વિશેષ છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પૂર્વ અગ્નિવીરોનું મનોબળ મજબૂત થશે અને લશ્કરમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેઓ રાજ્યના વિવિધ સુરક્ષા અને વન વિભાગોમાં પોતાની સેવાઓ ખૂબ જ સરળતાથી આપી શકશે.  



Source link

Related Articles

Back to top button