गुजरात

છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Protest In Vadodara: Terminated Workers ‘Lock’ GSFC Main Gate With Flower Garlands



Vadodara GSFC : વડોદરાની જીએસએફસી કંપનીમાં વર્ષો સુધી સેવા આપનારા છૂટા કરાયેલા કામદારોએ પોતાની માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. આંદોલનકારીઓએ કંપનીના મુખ્ય ગેટને ફૂલોના હારથી પ્રતિકાત્મક તાળાબંધી કરી કંપનીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે રોષ વ્યક્ત કર્યો છે.

જીએસએફસીની ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન યુનિટમાં વર્ષ 2001થી ફરજ બજાવતા આશરે 120 કામદારોને વર્ષ 2020થી છૂટા કરવામાં આવ્યા હતા. જોકે ફેબ્રુઆરી-2025 સુધી તેમને વેતન ચૂકવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 16 મહિનાથી પગાર બંધ થતાં કામદારો અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

કામદારોએ ન્યાય માટે કોર્ટનો આશરો લીધો હતો. આ મામલે કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને નિયમિત વેતન ચૂકવવા આદેશ આપ્યો હોવાનું કામદારોનું કહેવું છે. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો કેસ હાલ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. તેમ છતાં કોર્ટના આદેશનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારોએ કાળા કપડાં પહેરી “નોકરી અને પગાર આપો” તેમજ “કોર્ટના આદેશનું પાલન કરો” જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું. કોર્ટના હુકમનો અનાદર કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કામદારોએ કંપની તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.



Source link

Related Articles

Back to top button