સર્જિકલ રોબોટે માનવ સહાય વિના ડુક્કરનું પિત્તાશય કાઢવાની સર્જરી કરી | Surgical robot performs pig gallbladder removal surgery without human assistance

![]()
– જ્હોન્સ હોપકિન્સ યુનિ.ને અભૂતપૂર્વ સફળતા
– સર્જિકલ રોબોટે 17 અલગ સર્જિકલ કામ સાથેની આઠ અલગ અલગ પ્રક્રિયામાં 100 ટકા સફળતા મેળવી
બાલ્ટિમોર: અમેરિકાના બાલ્ટિમોર સ્થિત જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવી એઆઈ સિસ્ટમ વિકસાવી છે, જેણે માણસની મદદ વિના એક મૃત ડુક્કરનું પિત્તાશ કાઢવાની સર્જરી કરી હતી. યુનિવર્સિટના સર્જિકલ રોબોટે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે સફળતાપૂર્વક આ ઓપરેશન કર્યું હતું. જીવંત માણસ પર સંપૂર્ણ સ્વાયત્તતા સાથેની સર્જરીને હજુ ઘણા વર્ષો લાગી શકે છે ત્યારે સર્જિકલ રોબોટની આ સિદ્ધિ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એઆઈ સિસ્ટમની વધતી જતી સંભાવના પર પ્રકાશ પાડે છે. સંશોધકો હવે જીવંત પ્રાણી પર પરીક્ષણોની યોજના બનાવી રહ્યા છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ દ્વિ-સ્તરીય એઆઈ મોડેલને ૧૭ કલાકના વાસ્તવિક માનવ સર્જરી વીડિયો ફૂટેજ મારફત તાલિમ આપી હતી. આ તાલિમના આધારે સર્જિકલ રોબોટે લાઈવ વિઝ્યુઅલ ઈનપુટનું અર્થઘટન કર્યું અને મૃત ડુક્કરના શરીરમાંથી પિત્તાશય કાઢવાની સર્જરી કરી હતી.
ડુક્કર પર ઓપરેશન સમયે સર્જિકલ રોબોટે ‘બીજી નળીને ક્લિપ કરો’ જેવા મૌખિક આદેશો આપ્યા હતા. આ રોબોટે ૧૭ અલગ અલગ સર્જિકલ કામ સાથેની આઠ અલગ અલગ પ્રક્રિયામાં ૧૦૦ ટકા સફળતાનો દર હાંસલ કર્યો હતો, જેમાં અત્યાધુનિક રીયલ ટાઈમમાં પોતાની ભૂલ સુધારવાની ક્ષમતા અને ટૂલ બદલવા અથવા ક્યારેક એડજસ્ટમેન્ટ જેવી લઘુત્તમ માનવ સહાયનો સમાવેશ થાય છે.
સર્જિકલ રોબોટની આ સિદ્ધિ તેની પોતાની ભૂલોને શોધીને તેને સુધારવાની ક્ષમતા, સર્જિકલ ચોક્સાઈ અને સલામતી વધારવા માટે એઆઈની વધતી સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે. સંશાધકો હવે લાંબા ગાળાનું વિઝન, જટિલતા દરને ઘટાડવા, સ્થિરતા સુધારવા અને સર્જિકલ ટીમોના કામના ભારને ઘટાડવા માટે સિસ્ટમો વિકસાવવા માટે આ પરીક્ષણોને આગળ વધારવાની યોજના ધરાવે છે.
સંશોધકોએ કહ્યું કે, આ પ્રયોગ સર્જિકલ રોબોટ્સને માત્ર માનવ સર્જનોના નિર્ણયો અમલમાં મૂકવાથી આગળ લઈ જાય છે અને તેમને રીયલ ટાઈમ અનુકૂલન, સ્વતંત્ર રીતે પ્રક્રિયા અનુસરવા અને સ્વ-સુધારણાની ક્ષમતા આપે છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોના સર્જિકલ રોબોટ દ્વારા સર્જરીના આ પ્રયોગોના પરિણામોને સાયન્સ રોબોટિક્સ જર્નલમાં ગયા વર્ષે પ્રકાશિત કરાયા હતા. દુનિયાના દરેક ક્ષેત્રોની જેમ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ એઆઈ સિસ્ટમના વધતા પ્રભાવ વચ્ચે જ્હોન્સ હોપકિન્સનો આ પ્રયોગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.



