NEET-UGની પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, વિદ્યાર્થીઓએ કહ્યું,-‘પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું હતું’ | NEET UG re exam held in peaceful atmosphere students claim paper was tough

![]()
Neet Re Exam: NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઇ હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ગુજરાતની વાત કરીએ તો 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. બપોરે 2 કલાકથી 5:15 કલાક સુધી પરીક્ષાનો સમય હતો, આ વખતે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. દેશમાં કુલ 551 શહેરોમાં 5,440 સેન્ટર અને વિદેશમાં 14 સેન્ટર પર 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે NEET-UGની પરીક્ષા યોજાઇ હતી. જેમાં અંગ્રેજી સહિત 12 ભારતીય ભાષામાં પેપર લેવાયું છે. પરીક્ષા આપ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અગાઉના પેપર કરતાં ઘણું અધરું પેપર હતું, ઘણાએ તો માર્કસ ઓછા આવશે તેવો પણ સ્વીકાર કર્યો હતો.
પેપર બાદ વિદ્યાર્થીઓએ શું કહ્યું?
અમદાવાદમાં પલક નામની વિદ્યાર્થિનીએ કહ્યું કે, ‘બાયો સરળ હતું પણ પેપર થોડું ટફ હતું, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વધારે અઘરું હતું. સમય બરોબર હતો, ‘કટ ટુ કટ’ પૂર્ણ થયું. ઈશિતા પુરોહિત નામની વિદ્યાર્થિનીએ કહ્યું કે, પેપર ઠીક હતું પહેલા કરતાં હાર્ડ હતું, બાકી સારું ગયું છે. ફિઝિક્સના પ્રશ્નો વાંચવામાં જ ઘણો સમય ગયો છે. તો વરુણ સત્ય નામના વિદ્યાર્થીએ કહ્યું કે, ‘કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ટફ હતું વધારે, ઓવરઓલ પેપર થોડું ડિફિકલ્ટ હતું’
હિજાબ અને કંઠી-દોરા મુદ્દે વાલીઓ અને સંગઠનોનો વિરોધ
પેપર આપવા માટે સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, આ ચુસ્ત નિયમો વચ્ચે અમદાવાદની આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે ડ્રેસકોડ અને ધાર્મિક પ્રતીકોને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થિનીઓના હિજાબ અને અન્ય વિદ્યાર્થીઓના ગળામાં પહેરેલી કંઠી કે હાથમાં બાંધેલા ધાર્મિક દોરા બાબતે વિવાદની શરૂઆત થઈ હતી. કેટલાક સંગઠનો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની ગાઈડલાઈનનું પક્ષપાતી પાલન કરાવવામાં આવી રહ્યું છે.
વાલીઓનો આક્ષેપ
કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે, ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ ગળાની કંઠી, હાથના દોરા અને મેટલની વસ્તુઓ ઉતારીને જ અંદર ગયા હતા. હિન્દુ વિદ્યાર્થીઓની કંઠી કઢાવવામાં આવી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પ્રવેશ કેમ અપાયો? સામે પક્ષે એવો પણ આક્ષેપ થયો હતો કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અંદર જતી રહી હોવા છતાં તેમને બહાર બોલાવીને ફરીથી હિજાબ પહેરાવી અંદર મોકલવામાં આવી હતી.
VHP અને AIMIMના કાર્યકરો આમનેસામને, ઝપાઝપીના દ્રશ્યો
આ વિવાદની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને AIMIMના કાર્યકરો મોટી સંખ્યામાં આર. જે. ટિબ્રવાલ કોલેજ ખાતે પહોંચી ગયા હતા. બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ મામલો બિચક્યો હતો અને પરિસરમાં ઘર્ષણ તેમજ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલાં એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનના કાર્યકરોને સ્થળ પરથી હટાવી દેવાયા હતા અને નિયમભંગ બદલ 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

