રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ | gujarat weather forecast six day rain alert fishermen warned not to venture into sea

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ‘ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ'(ICR-ER) દ્વારા 20 જૂન 2026ના રોજ માછીમારો માટે એક ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. પરિપત્ર મુજબ, રાજ્યના દરિયાકાંઠે આગામી દિવસોમાં ખરાબ હવામાન અને તોફાની પવન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, શનિવારે(20 જૂન) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 20થી 21 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને તેને અડીને આવેલા વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ઝડપ અમુક સમયે વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. ત્યારબાદ, 23થી 24 જૂન દરમિયાન દરિયામાં પવનનું જોર વધશે, જ્યાં ગુજરાત અને કોંકણના કાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદી ઝાપટાં સાથે આ ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.
આ ખરાબ હવામાન 24થી 25 જૂન સુધી ગુજરાત તેમજ ઉત્તર કોંકણના દરિયાકાંઠે યથાવત્ રહેશે, જેમાં પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક અને મહત્તમ 60 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અન્ય વિવિધ ભાગોમાં પણ ભારે પવન અને ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
ગુજરાતમાં 36,000થી વધુ માછીમારી બોટ કાર્યરત છે અને રાજ્યની કુલ માછીમાર વસ્તી અંદાજિત 5.86 લાખ જેટલી છે. રાજ્ય વાર્ષિક અંદાજે 7થી 8.7 લાખ મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન કરે છે. મત્સ્યોદ્યોગના આ વિશાળ વ્યાપને જોતાં માછીમારોની જાનમાલની સુરક્ષાને લઈને સરકારે ચેતવણી આપી છે. તંત્ર દ્વારા માછીમારોને આ સમયગાળા દરમિયાન ઊંડા દરિયામાં ન જવા અને સંપૂર્ણ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.









