दुनिया

ડીલ હેઠળ ઈરાનને 300 અબજ ડૉલર આપશે કોણ? ટ્રમ્પ-વેન્સે ફરી દુનિયાના ધબકારાં વધાર્યા | US Iran MoU: Confusion Rises Over 300 Billion Funding Plan for Iran



US Iran MoU: અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ લખાયું છે કે ઇરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે 300 અબજ ડૉલર (આશરે 25 લાખ કરોડ રૂપિયા)નું ફંડિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. પરંતુ આટલી મોટી રકમ ઇરાનને આપશે કોણ? તે સવાલ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પોતાના જ કરારના લખાણથી વિપરીત દાવા કરી રહ્યા છે, જેના કારણે વિપક્ષી ડેમોક્રેટ્સ અને ખુદ રિપબ્લિકન પક્ષના નેતાઓએ ટ્રમ્પને ઘેરવાનું શરૂ કર્યું છે.

ટ્રમ્પ અને વેન્સના દાવા: “અમેરિકા એક રૂપિયો પણ નહીં આપે”

આ વિવાદ પર સ્પષ્ટતા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, “અમેરિકા તરફથી ઇરાનને 300 અબજ ડૉલરની કોઈ સીધી ચુકવણી કરવામાં આવી રહી નથી. આ બધી ફેક ન્યૂઝ અને ડેમોક્રેટ્સનો પ્રોપેગેન્ડા (પ્રચાર) છે. અમેરિકા માટે તો આ માત્ર એક મોટી સફળતા, તેલના નીચા ભાવ અને મોટી જીત છે.”

બીજી તરફ, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ પ્લાનનો ખર્ચ અમેરિકન કરદાતાઓ (Taxpayers) ના માથે નહીં ઝીંકાય અને અમેરિકાનો એક પણ પૈસો ઇરાન નહીં જાય. વેન્સે પ્રેસ કોન્ફરન્સમાં એવો સંકેત આપ્યો હતો કે, આ ફંડ માટે પર્શિયન ખાડીના સમૃદ્ધ આરબ દેશો અને ઇરાનમાં રોકાણ કરવા ઈચ્છતા અન્ય તટવર્તી દેશો પાસેથી નાણાં એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી દુનિયાના કોઈ પણ દેશે આ ફંડમાં નાણાં આપવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રમ્પ: વિપક્ષી નેતાઓનો જોરદાર પ્રહાર

આગામી નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ (Mid-term Elections) પહેલા ડેમોક્રેટિક પાર્ટી આ મુદ્દાને વટાવવાની કોઈ તક છોડવા માંગતી નથી. સીનેટમાં ડેમોક્રેટ્સના નેતા ચક શૂમરે ટ્રમ્પ પર પ્રહાર કરતા લખ્યું કે, “ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકા ઇરાનને પૈસા નથી આપી રહ્યું, પણ આ MoU પર તેમની પોતાની જ સહી છે. તેમણે પહેલા પોતાનો ડ્રાફ્ટ વાંચવો જોઈએ.” અન્ય ડેમોક્રેટિક સાંસદો – એમી ક્લોબુચર અને જેસન ક્રોએ પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, રિપબ્લિકન સરકાર પાસે અમેરિકનોના સ્વાસ્થ્ય, શિક્ષણ કે બેઘરોની સમસ્યા દૂર કરવા પૈસા નથી, પરંતુ ઇરાનને 300 અબજ ડૉલર આપવા માટે ફંડ ઉપલબ્ધ છે.

2015 ની ઓબામા ડીલ (JCPOA) સાથે સરખામણી

ડેમોક્રેટ્સ ઉપરાંત ટ્રમ્પના પોતાના સહયોગી અને રિપબ્લિકન સીનેટર રોજર વિકરે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભલે આમાં અમેરિકાના ટેક્સના પૈસા વપરાય કે ન વપરાય, પણ આ રકમ 2015માં રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ન્યુક્લિયર ડીલ (JCPOA) વખતે ઇરાનને અપાયેલી રકમ કરતાં ઘણી મોટી છે. 2015 ની ડીલ વખતે અમેરિકાએ ઇરાનની વિદેશી બેંકોમાં ફ્રીઝ થયેલી માત્ર ૫૫ અબજ ડૉલરની સંપત્તિ મુક્ત કરી હતી. ટ્રમ્પ 2018 માં તે ડીલમાંથી એકતરફી રીતે બહાર નીકળી ગયા હતા અને દાવો કર્યો હતો કે તેઓ ભવિષ્યમાં આનાથી ઘણી શ્રેષ્ઠ ડીલ કરશે. હવે 300 અબજ ડૉલરના આ રોકાણના અમલીકરણનો રોડમેપ આગામી 60 દિવસની વાટાઘાટો દરમિયાન નક્કી થવાનો છે.



Source link

Related Articles

Back to top button